ટ્રાફિકમાં કાર અટવાઈ અને યુવક-અપહરણકાર રોડ પર પટકાયા

અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા એક યુવકનું ગઇ કાલે ભરબપોરે કારમાં આવેલા ચાર શખ્સોએ ઘાટલોડિયાના પાવાપુરી પાસેથી અપહરણ કર્યું હતું. અપહરણ કરી ઘાટલોડિયા સન એન્ડ સ્ટેપ ક્લબ પાસેથી કાર પસાર થતી હતી ત્યારે કાર ટ્રાફિકમાં રોકાઇ જતાં યુવકે અપહરણકારને ધક્કો માર્યો હતો જેથી કારનો દરવાજો ખૂલી ગયો હતો અને યુવક તેમજ અપહરણકાર રોડ પર પટકાયા હતા. યુવક બચાવોની બૂમો પાડતાં ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અપહરણ કરાયેલા યુવકના મિત્રએ લોકોના પૈસા લઇ લીધા છે તે ચૂકવી ન આપતાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘાટલોડિયા પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ નડીઆદના અને હાલ ન્યૂ રાણીપ વિસ્તારના આર્યવિલા ફ્લેટમાં ચિરાગ ગોસ્વામી (ઉં.વ.૩ર) ૧પ દિવસથી અમદાવાદ ખાતે ભાડે તેમના પરિવાર સાથે રહે છે. તે દોઢ વર્ષથી ચેન્નઇ ખાતે આવેલ અલિઝા ઇન્ટરનેશનલ નામની એર ટિકિટ બુકિંગની કંપનીમાં નોકરી કરે છે. ટૂૂંક સમયમાં અમદાવાદમાં નવી બ્રાન્ચ ખૂલવાની હોવાથી તેઓ અમદાવાદ આવ્યા છે. વર્ષ ર૦૧૬માં આણંદ ખાતે રાધે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા ધનરાજ ગાયરી નામની વ્યકિત સાથે ચિરાગને મિત્રતા થઇ હતી અને અવારનવાર ધંધાર્થે અમદાવાદ આવતા હતા.

દરમિયાનમાં ઘાટલોડિયાની સુહાસ રેસિડન્સીમાં રહેતા અને એર ટિકિટ બુકિંગનો વ્યવસાય કરતા હાર્દિક ઠક્કર સાથે મુલાકાત થઇ હતી અને તેની પાસે ચિરાગ અેર ટિકિટનું બુકિંગ કરાવતો હતો. ર૮ ઓગસ્ટ બાદથી ધનરાજનો ચિરાગ સાથે સંપર્ક થયો નહોતો. ગઇ કાલે ચિરાગે હાર્દિક ઠક્કરને ફોન કરી મળવા માટે જણાવ્યું હતું, જોકે હાર્દિકે સાંજે ૪-૦૦ વાગ્યે આવજો તેમ જણાવ્યું હતું. બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ચિરાગ બાઇક લઇ પાવાપુરી નજીક ઘાવડી ટી સ્ટોલ પર ચા પી રહ્યો હતો ત્યારે ચાણક્યપુરીબ્રિજ તરફથી એક લાલ કલરની ગાડી આવી હતી.

ગાડીમાંથી ત્રણ યુવકો ઊતર્યા હતા, જેમાં એક યુવકે તારું નામ ચિરાગ છે તેમ પૂછ્યું હતું. ચિરાગે હા પાડતાં તું ધનરાજને ઓળખે છે? તેમ પૂછ્યું હતું. તમારે શું કામ છે? તેવું ચિરાગે કહેતાં જ ત્રણેય યુવકો તેની સાથે ઝપાઝપી કરી ગાડીમાં બેસાડી સતાધાર ચાર રસ્તા તરફ લઇ ગયા હતા. ગાડીમાં બેઠેલા ઇસમોએ ચિરાગને માર મારી બે મોબાઇલ ફોન, સોનાની ચેઇન અને ઘડિયાળ કાઢી લીધાં હતાં. ધનરાજ સાથે મળીને જેેટલા લોકોના રૂપિયા લીધા છે તે નહીં ચૂકવી આપે ત્યાં સુધી તને જીવતો નહીં જવા દઇએ તેમ એક યુવકે જણાવ્યું હતું.

ઘાટલોડિયાની સન એન્ડ સ્ટેપ ક્લબ પાસે ટ્રાફિક જામ હોઇ કાર ઊભી રહેતાં ચિરાગે બાજુમાં બેઠેલા યુવકને જોરથી ધક્કો માર્યો હતો, જેથી દરવાજો ખૂલી ગયો હતો અને ચિરાગ તેમજ અપહરણકાર ગાડીમાંથી નીચે પટકાયા હતા. બચાવો બચાવોની બૂમો પાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગાડીમાં બેઠેલા બે યુવકો તેની પાછળ દોડ્યા હતા, જોકે લોકો વધુ હોવાથી તે વધુ દોડ્યા ન હતા. ચિરાગ ભાગતાં ભાગતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અનેે સઘળી હ‌કીકત જણાવી હતી.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની હદ લાગતી હોઇ આ અંગે ચિરાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આરોપી દેવજી ઉર્ફે દેવો રબારી (રહે. ઘાટલોડિયા) અને હાર્દિક ઠકકર (રહે. ઘાટલોડિયા)ની ધરપકડ કરી હતી. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જી. એસ. પટેલે જણાવ્યું હતું કે પૈસાની લેતી-દેતીના મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ધનરાજ નામની વ્યકિત મળી આવે તે બાદ કોને કેટલા રૂપિયા આપવાના હતા તે સમગ્ર હકીકત બહાર આવશે. હાલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

You might also like