રોડ પર કાર પાર્ક કરી ને પાંચ મિનિટમાં 3.62 લાખ ચોરાયા

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર આવેલ રાજપથ ક્લબની સામે કારનો કાચ તોડીને ગ‌ઠિયાઓ ૩.૬ર રૂપિયા ભરેલો થેલો લઇને ફરાર થઇ ગયા છે. કાર સર્વિસનું ગેરેજ ધરાવતા સચીનભાઇ એક્સિસ બેન્કમાં આરટીજીએસ કરવા માટે ગયા ત્યારે ગ‌ઠિયાઓએ તેમની કારનો કાચ તોડીને ચોરી કરી હતી.

સેટેલાઇટ રોડ પર આવેલ આશાવરી ટાવરમાં રહેતા અને કાર સર્વિસનું ગેરેજ ધરાવતા સચીનભાઇ શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે રાજપથ ક્લબની સામેના રોડ પર સચીનભાઇ તેમની કાર પાર્ક કરીને એક્સિસ બેન્કમાં આરટીજીએસ કરવા માટે ગયા હતા.

પાંચ મિનિટમાં સચીનભાઇ તેમનું કામ પતાવીને નીકળી ગયા હતા. સચીનભાઇ કાર લઇને થોડેક દૂર પહોંચ્યા ત્યારે તેમની કારમાં અવાજ આવતો હોવાથી તે સાઇડમાં ઊભા રહ્યા હતા. સચીનભાઇએ કારની પાછળ જોયું તો કાચ તૂટેલો હતો અને કારમાં પડેલા ૩.૬ર લાખ રૂપિયા ગાયબ હતા.

વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. સોમવારના દિવસે પણ વસ્ત્રાપુરના સિંધુ ભવન રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કની સામે પાર્ક કરેલી કારનો કાચ તોડીને પપ હજાર રૂપિયા ભરેલી બેગ ગઇ ગઠિયા ફરાર થઇ ગયા હતા, જેમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બન્ને કિસ્સામાં એક જ ગેંગ સંડોવાયેલી હોય તેવું જાણવા મળ્યું છે.

You might also like