ભૂયંગદેવ ચાર રસ્તા પાસે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ‘દારૂબંધી’ માટે કડક કાર્યવાહીની સૂચનાને પગલે શહેર પોલીસ ફરી સક્રિય બની છે. સોલા વિસ્તારમાંથી દારૂ ઝડપાયા બાદ ગઇ કાલે બપોરે ઘાટલોડિયા પોલીસે બાતમીના આધારે ભૂયંગદેવ ચાર રસ્તા પાસે ઇકો કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ કરી છે.

મળતી માહિતી મુજબ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહિલને બાતમી મળી હતી કે એક કારમાં બે શખસ દારૂ-બિયરનો જથ્થો લઇને આવવાના છે. જેના આધારે પીઆઇ અને ટીમ ભૂયંગદેવ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી એક ઇકો કાર આવતાં તેને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં સુરેશ ભીખાભાઇ પટેલ (રહે.ગણેશ હોમ્સ, ન્યૂ રાણીપ) અને ભાવિન રમેશ સોની (રહે. આર્યવિલા ફલેટ, ન્યૂ રાણીપ) પાસેથી ૮૬ બિયરની બોટલ અને ૧૭ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં આ દારૂ-બિયર વેચવા માટે લાવ્યા હતા. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે હજી સુધી પોલીસ જાણી શકી નથી. રાજસ્થાન તરફથી એસજી હાઇવે પરથી સોલા થઇ અને અમદાવાદમાં દારૂ ઘુસાડવામાં આવે છે. જેથી રાજસ્થાન કે હરિયાણાથી આ દારૂ લાવ્યા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like