ધોળા દિવસે કારના કાચ તોડી રૂ. ૩.૭૦ લાખની મતાની ચોરી

અમદાવાદ: સેટેલાઈટના જોધપુર ગામ રોડ પર અાવેલા પૃથ્વી ટાવરમાં હિમાંશુભાઈ રામપ્રસાદ શેઠ (ઉ.વ. ૪૭) રહે છે. હિમાંશુભાઈ ચાંગોદર ખાતે પોતાનું કારખાનું ધરાવે છે. તેઅો ગઈ કાલે બપોરના ત્રણેક વાગ્યાની અાસપાસ પોતાની કાર લઈ સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા નજીક અાવેલા અાદિત્ય કોમ્પ્લેક્સ નજીક ગયા હતા, જ્યાં તેઅોએ પોતાની કારને પાર્ક કરી હતી અને કામ અર્થે ગયા હતા. પંદર મિનિટમાં તેઅો પોતાનું કામ પતાવી પોતાની કાર પાસે અાવ્યા ત્યારે તેઅોઅે જોયું હતું કે તેઅોની કારના પાછળના ભાગનો કાચ તૂટેલો હતો અને કાળા કલરની બેગ ગાયબ હતી.
તેમની બેગમાં રોકડા રૂ. ત્રણ લાખ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સહિતની મતા હતી, જે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અા અંગે હિમાંશુભાઈઅે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી અાસપાસના તથા રેસ્ટોરાનાં સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

You might also like