ગાડી જોઇને ચલાવો તેમ કહીને કોન્ટ્રાક્ટરના દસ લાખ સેરવી લીધા

અમદાવાદ: શહેરમાં નજર ચૂકવીને રૂપિયા ભરેલી બેગ ઉઠાંતરી થવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે ગઇ કાલે સાંજે બાપુનગર વિસ્તારમાં એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટરના દસ લાખ રૂપિયા ભરેલી બેગ લઇને ગઠિયાઓ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તમે ગાડી જોઇને ચલાવો તેમ કહીને કોન્ટ્રાક્ટર સાથે બાઇક ચાલકે બબાલ શરૂ કરી હતી. જેનો લાભ લઇને અન્ય એક બાઇક ચાલક ગાડીમાં મૂકેલ રૂપિયા ભરેલો થેલી લઇને ફરાર થઇ ગયો હતો.

નિકોલ વિસ્તારમાં આવેલા સુરોહી બંગલોઝમાં રહેતા અને ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરતા ગિરીશભાઇ છગનભાઇ ઢોલરિયા (પટેલ)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગિરીશભાઇ ગાંધીનગર સરગાસણ ગામ ખાતે આવેલી ફ્લેટની સ્કીમનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે. બે દિવસ પહેલાં ડેવલોપર્સની ઓફિસમાં ગિરીશભાઇ ગયા હતા અને દિવાળીને તહેવાર નજીક આવતો હોવાથી કારીગરોને પેમેન્ટ કરવા માટે છ લાખ રૂપિયાની માગણી કરી હતી.

ડેવલોપર્સના માલિક ગિરીશભાઇને કારીગરોના રૂપિયા ચુકવવા માટે છ લાખ રૂપિયા આંગડિયા મારફતે આપવાનું જાણાવ્યું હતું. ગઈકાલે અાંગડિયા દ્વારા દસ લાખનું પેમેન્ટ સાંજે દસ લાખ રૂપિયા ભરેલી થેલી ગિરીશભાઇ તેમની કારમાં મૂકીને બાપુનગરથી રવાના થયા. થોડેક દૂર જતા ગિરીશભાઇની કારને એક બાઇક ચાલકે ટપલી મારી હતી. જેના કારણે ગિરીશભાઇએ તેમની કાર રોકી હતી. જેમાં બાઇક ચાલક તેમની પાસે આવ્યો હતો અને જોઇને કાર ચલાવોને તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.

દરમિયાનમાં ગિરીશભાઇએ બાઇક ચાલક સાથે ઝધડો કરતા હતા તે સમયે અન્ય એક બાઇક પર બેઠેલા બે શખ્સો આવ્યા હતા અને કારમાં પડેલા દસ લાખ રૂપિયા લઇને જતા રહ્યા હતા. ત્યારે બબાલ કરનાર યુવક પણ પોતાનું બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. ગિરીશભાઇ કારમાં બેઠા ત્યારે તેમની રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી. જેથી તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. બાપુનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like