પોલીસથી બચવા ભાગ્યા પણ કાર ડિવાઈડર સાથે અથડાઈ ને દારૂ પકડાયો

અમદાવાદ: બાવળા ચાંગોદર હાઇવે પર ગત રાત્રે ચાંગોદર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અમદાવાદથી બાવળા તરફ જતી એક કારને પોલીસે રોકતાં કારચાલકે કાર ભગાવી મૂકી હતી અને કાર ડિવાઇડર સાથે અથડાતાં કાર ઊભી રહી હતી.

પોલીસે કારમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા એક શખસને ઝડપી લીધો હતો. જ્યારે બે લોકો ફરાર થવામાં સફળ થયા હતા. ચાંગોદર પોલીસે દારૂ અને ગાડી કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.પી. દેસાઇ અને તેમની ટીમ રાત્રે ચાંગોદર બાવળા હાઇ વે પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે એક સ્કોડા ગાડી આવી હતી. કારને પોલીસે હાથ બતાવી રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ કારચાલકે કારને હંકારી મૂકી હતી.

કાર ઊભી ન રહેતાં ચાંગોદર પોલીસે કારની પીછો કર્યો હતો. નવાપુરા પાટિયા નજીક કાર પરથી કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઇડર સાથે અથડાઇ અને બંધ પડી ગઇ હતી. કારમાંથી કેતન શિયાળ (રહે. ભાવનગર) અને અન્ય એક શખ્સ ઊતરી ફરાર થઇ ગયા હતા જ્યારે અમિત મહેશ પરમાર (રહે. અમીધારા સોસા., ભાવનગર) પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસ તપાસમાં આરોપીઓની કારમાંથી બિયરની પેટી, સાત પેટી દારૂ અને છૂટી બોટલ નંગ ૩૩ મળી કુલ ૯૪,૩૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ આ દારૂ બિયરનો જથ્થો રાજસ્થાનના ભીમસિંગ વાડાથી લઇને ભાવનગર તરફ જઇ રહ્યા હતા. પોલીસે હાલ ફરાર બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like