કોલંબિયામાં કાર બોમ્બ વિસ્ફોટઃ ૧૦નાં મોત અને ૬પથી વધુ ઘાયલ

728_90

બોગોટા: કોલંબિયાની રાજધાની બોગોટામાં એક પોલીસ કેડેટ ટ્રેનિંગ એકેડેમીમાં પ્રચંડ કાર બોમ્બ વિસ્ફોટ થતાં ૧૦નાં મોત થયાં છે અને ૬પથી વધુ લોકો ઘાયલ થયા છે. કોલંબિયાની રાજધાનીમાં છેલ્લાં ૧૬ વર્ષમાં થયેલ આ સૌથી ભીષણ આતંકી હુમલો છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે વિસ્ફોટકોથી ભરેલા એક વાહનનો ઉપયોગ કરીને આતંકી હુમલો કરવામાં આવ્યો છે. વાહનમાં ૮૦ કિલોગ્રામ વિસ્ફોટકો હતા. ઘટના બાદ દ‌િક્ષણ બોગોટામાં આવેલ પોલીસ એકેડેમીની બહાર અફરાતફરી મચી ગઇ હતી.

આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં પનામા અને ઇક્વાડોરના એક નાગરિકનો પણ સમાવેશ થાય છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ઇવાન ડુકેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે તમામ કોલંબિયાવાસીઓ આતંકવાદની વિરુદ્ધ છે અને આ લડાઇમાં અમે સૌ સાથે છીએ. હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવાનો સંકલ્પ લેતાં ડુકે જણાવ્યું હતું કે કોલંબિયા આ ઘટનાથી દુઃખી છે, પરંતુ હિંસા સામે અમે ઝૂકીશું નહીં.

અધિકારીઓએ અા હુમલામાં એક હુમલાખોર પણ માર્યો ગયો હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ ઘટના માટે હજુ કોઇ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી, પરંતુ સરકારે શકમંદ તરીકે જોશ અલ્દામેર રોજસ રો‌િડ્રકસનું નામ લીધું છે. રોજસ રો‌િડ્રકસ સવારે ૯-૩૦ વાગ્યે સ્કૂલ સંકુલમાં વિસ્ફોટકો ભરેલું વાહન લઇને ઘૂસ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે આ આતંકી હુમલામાં તપાસ શરૂ કરી દીધી છે.

You might also like
728_90