કાર પાછળ જાહેરાત લગાવો ને મહિને ૭૬૦૦ રૂપિયા કમાવ

અમદાવાદ: કાર પાછળ જાહેરાત લગાવો અને દર મહિને 7600 રૂપિયા કમાવો તેવી લોભામણી જાહેરાત કરીને શહેરીજનોને 65 લાખનો ચૂનો લગાવનાર બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. રામોલ વિસ્તારમાં આવેલા ઓમ આર્કેડમાં આરોપીઓએ બોગસ કંપની ઊભી કરીને લોકો સાથે છેતર‌િપંડી કરવાનું શરૂ કર્યું હતું, જોકે પોલીસ ફરિયાદ થાય તે પહેલાં આરોપીઓ કંપની બંધ કરીને ફરાર થઇ ગયા હતા.

રામોલની ઓમ આર્કેડમાં જૂનાગઢના ધના નાગોરી, ગાંધીનગરના અજય વાઘેલા તથા નિહા‌િરકા નામની મહિલાએ વ્હિલ એડ્વર્ટાઇઝમેન્ટ નામની ખોટી કંપની ઊભી કરી હતી, જેમાં એક ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે કોઇ પણ કારચાલકને મહિને 7600 રૂપિયા કમાવવા હોય તો સંપર્ક કરવો. ધના નાગોરી કંપનીનો માલિક હતો જ્યારે અજય વાઘેલા મેનેજર અને નિહા‌િરકા બ્રાંચ મેનેજર હતાં.

કોઇ પણ વ્યકિત જ્યારે ધના નાગોરીને ઓફિસમાં મળવા જાય ત્યારે મેનેજર અને બ્રાંચ મેનેજર દ્વારા સ્કીમ સમજાવવામાં આવતી હતી. કોઇ પણ કાર પાછળ કંપનીની જાહેરાત લગાવવામાં આવશે. કાર મહિને 900 કિલોમીટર ફરે ત્યારે કંપની કારચાલકને 7600 રૂપિયા આપશે. જ્યારે કંપનીના સભ્ય બનવા માટે ડિપોઝિટ પેટે 33 હજાર રૂપિયા ભરવાના રહેશે. આ સ્કીમ હેઠળ અનેક લોકોએ રૂપિયા ભર્યા હતા.

છ મહિના પહેલાં કઠવાડામાં રહેતા મયૂરભાઇ ભાઇલાલભાઇ પટેલે પોતાની બે કાર પાછળ જાહેરાત લગાવવા માટે 66 હજાર રૂપિયાની ડિપોઝિટ કંપનીમાં કરાવી હતી, કાર પાછળ જાહેરખબર લગાવી હતી. જ્યારે 7600 રૂપિયા લેવા માટે કંપની ઉપર ગયા ત્યારે ઓફિસ ખાલી હતી, જેથી મયૂરભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.

રામોલ પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનાથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા માટે શોધખોળ ચાલુ હતી ત્યારે ગઇ કાલે જૂનાગઢથી ધના નાગોરી તથા રાણીપથી અજય વાઘેલાની ધરપકડ કરાઇ છે જ્યારે નિહા‌િરકાની શોધખોળ ચાલુ છે. ધના નાગોરીની પૂછપરછમાં તેણે એક જ મહિનામાં 65 લાખની છેતર‌િપંડી કરી હોવાની કબૂલાત કરી છે. આ મુદ્દે રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીએ જણાવ્યું છે કે ધના નાગોરીએ રાજસ્થાનમાં પોતાની કંપની ર‌િજસ્ટ્રેશન કરાવી હતી. લોકો જોડે 33 હજાર રૂપિયા ડિપોઝિટ પેટે લઇને 65 લાખ રૂપિયાની છેતર‌િપંડી કરી હોવાનું સામે આવ્યું છે.

You might also like