નવસારી: ચીખલી રોડ પર કાર ડિવાઇડર સાથે અથડાતાં બે યુવાનનાં મોત

અમદાવાદ: નવસારી નજીક ચીખલી-અલીપોર રોડ પર મોડી સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે નવ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા છે, જેમાંથી ત્રણની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

કડોદરા ચોકડી ખાતે રહેતાે દિનેશ અોમકાર તેના નવ મિત્રો સાથે કાર લઈ દમણ ફરવા ગયો હતો. દમણથી પરત ફરતી વખતે મોડી સાંજે તેમની કાર નવસારીના ચીખલી-અલીપોર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે શીતલ હોટલ પાસે દિનેશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ જતાં અા અકસ્માત થયો હતો, જેમાં દિનેશ સહિત બે મિત્રોનાં મોત થયાં હતાં જ્યારે વિકાશ, સુનીલ, વિવેક, સેવકરામ, પ્રકાશ, કૈલાસ, કડવાજી સહિત નવ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા ઉપરાંત ગોધરા બાયપાસ પાસેથી રાત્રીના સમયે પસાર થઈ રહેલ કારમાં અચાનક જ અાગ લાગતાં કાર બળીને ખાક થઈ ગઈ હતી, પરંતુ કારચાલકે સમયસૂચકતા વાપરી કારને રોડની એક તરફ ઊભી રાખી દેતાં કારમાં બેઠેલી ચારેય વ્યક્તિઓ બહાર કૂદી પડતાં તમામનો બચાવ થયો હતો. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like