બે કાર વચ્ચે અકસ્માતઃ બંને કાર ચાલકનાં મોત, ત્રણને ગંભીર ઈજા

અમદાવાદ: એસજી હાઈ વે પર ગાંધીનગર નજીક સરગાસણ પાસે રોડ પર બે કાર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં બંને કાર ચાલકોના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું જાણવા મળે છે. પાંચ યુવાનો અમદાવાદ તરફથી અાવી રહેલી અાઈ-૨૦ કારમાં એસજી હાઈ વે પર ગાંધીનગર નજીક સરગાસણ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર વચ્ચેની ફેન્સિંગ તોડી અા કાર સામેથી અાવી રહેલી વેગનઅાર કાર સાથે જોરદાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બંને કાર ચાલકનાં મોત થયાં હતાં જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઈન્ફોસિટી પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે જૂનાગઢ નજીક ચોબારી ફાટક પાસે બાઈક ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું. અા અકસ્માતમાં બાઈક સવાર ધ્રુવિન અરવિંદભાઈ અને તેના મિત્ર હાર્દિક ધાંધલનું ગંભીર ઈજા થવાનાં કારણે મોત થયું હતું. અા બંને મિત્રો સોમનાથ દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે અા ઘટના બની હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત ધાનેરા-ડીસા રોડ પર ગલાલપુરાના પાટિયા પાસે ઈનોવા કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનોમાં બેઠેલ દસ જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તમામને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે અકસ્માતના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like