ટ્રેલર સાથે અથડાયા પછી ઈનોવા કાર ખાડામાં ખાબકતાં ત્રણ વ્યક્તિનાં મોતઃ ચારને ગંભીર ઈજા

અમદાવાદ: શામળાજી નજીક ગડાદર ગામ પાસે રોડની બાજુમાં અાવેલા એક મોટા ખાડામાં ટ્રેલર સાથે અથડાતા બાદ ઈનોવા કાર ખાડામાં ખાબકતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  અા અંગેની વિગત એવી છે કે શામળાજી નજીક ગડાદર રોડ પરથી ગઈકાલે મોડી સાંજે રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી ઈનોવા કારનું અાગળનું ટાયર ફાટતાં કાર સામે બાજુથી અાવી રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ બાજુમાં અાવેલા ૧૦૦ ફૂટ જેટલા ઊંડા ખાડામાં ખાબકી હતી.

કાર ખાડામાં ખાબકતાં કારમાં બેઠેલ વ્યક્તિઓએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકી હતી. અા ઘટનામાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોચતાં નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જ્યાં પણ બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અા ઘટનામાં માર્યા ગયેલાઓના નામ સરનામા કે અન્ય કોઈ વિગત જાણવા મળ્યા નથી. પોલીસે કારના નંબરના અાધારે સઘન તપાસ શરૂ કરી છે.  શામળાજી રોડ પર ગઈ કાલે મોડી સાંજે બનેલી અા ઘટનાને પગલે રોડની બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જતા અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. શામળાજી પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews

You might also like