કારની હડફેટે અાવી જતાં સાસુ-સસરા અને પુત્રવધૂનાં મોત

અમદાવાદ: અમદાવાદ મહેસાણા હાઈ વે પર મેવડ ટોલનાકા નજીક અાજે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારની ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજતાં અા ઘટનાએ ભારે અરેરાટી ફેલાઇ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મેવડ ગામના રહીશ એક પરિવારના ત્રણ સભ્યો સાસુ, સસરા અને પુત્રવધૂ ગઈ રાતે ખેતરમાં મજૂરીકામ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ મહેસાણા હાઈ વે પર મેવડ ટોલનાકા નજીક જગુદણ કેટલ ફુડ ફેક્ટરી સામે રોડ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલ મહારાષ્ટ્ર પાસિંગની એમએચ-૦૨-એક્યુ-૬૧૮૮ નામની લકઝરી કારે ઉપરોક્ત ત્રણેયને હડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં સાસુ, સસરા અને પૂત્રવધૂ રોડ પર ફંગોળાતાં ગંભીર ઈજા થવાના કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અા ઘટનાને પગલે અમદાવાદ મહેસાણા હાઈ વે પરનો ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.

ઘટના બાદ કાર પણ રોડની એક તરફ ઝાડીમાં ફસાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી ત્રણેય મૃતદેહને પીએમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલક ગિરીશની પોલીસે ધરપકડ કરી અા અંગે ગુનો દાખલ કર્યો હતો. નાના એવા ગામના રહીશ અેક પરિવારના ત્રણ સભ્યોનાં એક સાથે અકસ્માતમાં મોત થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે.

You might also like