કાર પાંચ પલટી ખાઈ ગઈઃ શાળાના અાચાર્યનું મોત, પાંચ શિક્ષકને ઈજા

અમદાવાદ: નેશનલ હાઈવે-૮ પર અાણંદ નજીક સામરખા ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એક કારને ભયાનક અકસ્માત નડતાં કારમાં બેઠેલ શાળાના અાચાર્યનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પાંચ શિક્ષકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં રહેતા અને પીરાણા પ્રાથમિક શાળામાં અાચાર્ય તરીકે ફરજ બજાવતા બી.અાર ભગોરા અને અન્ય પાંચ શિક્ષકો કારમાં કોઈ સામાજિક કામ અર્થે અમદાવાદથી વડોદરા જવા નીકળ્યા હતા. અા કાર નેશનલ હાઈવે-૮ પર અાણંદ નજીક સામરખા ઓવરબ્રિજ ખાતેથી પસાર થઈ રહી હતી ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ પાંચ પલટી ખાઈ જતાં અા અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલા શાળાના અાચાર્યનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પાંચ શિક્ષકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને અાણંદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા ઉપરાંત જામનગર બેડ રોડ પર ખીજડિયા બાયપાસ પાસેથી બાઈક પર પસાર થઈ રહેલ મેઘજી કચરાભાઈ નામના વૃદ્ધ બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે અાવેલી એક કારે બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં બાઈકચાલક મેઘજીભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો દાખલ કર્યો છે.

You might also like