કાર પલટી ખાઈ જતાં એકના એક પુત્રનું મોતઃ માતા-પિતાને ગંભીર ઈજા

અમદાવાદ: જસદણ રોડ પર જંગવડ નજીક કાર પલટી ખાઈ જતાં માતા-પિતાની નજર સામે જ એકના એક પુત્રનું મોત થયું હતું અને માતા-પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે ભાવનગરની સીતારામપાર્ક સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ રામજીભાઈ પંડ્યા તેમનાં પત્ની વર્ષાબહેન અને તેમનો ૨૪ વર્ષનો પુત્ર નિપુણ ભાવનગરથી કારમાં નીકળી સાઢુભાઈની દીકરીના સગાઈ પ્રસંગે હાજરી અાપવા જામનગર નજીક અાવેલા ભાણવડ જવા નીકળ્યા હતા. સાંજના સાત વાગ્યાના સુમારે કાર જ્યારે જસદણ રોડ પર અાવેલા જંગવડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાર ચલાવી રહેલા નિપુણે અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી.

કાર પલટી ખાતા જ માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે નિપુણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે હરેશભાઈ અને તેમનાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે. હરેશભાઈ બોટાદ ખાતે એલઅાઈસીમાં ફરજ બજાવે છે. તેમને સંતાનમાં એક જ પુત્ર નિપુણ હતો. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like