અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખનાં ભાભી અને ભત્રીજાનાં માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદ: અમરેલી જિલ્લાના બાબરા નજીક ઈંગરોલા ગામના પાટિયા પાસે કાર પલટી ખાઈ જતાં અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખનાં ભાભી અને માસૂમ ભત્રીજાનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થતાં અા બનાવે અરેરાટી ફેલાવી છે.

અા અંગેની વિગત એવી છે કે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરાના નાના ભાઈ ભાવિકભાઈ હીરપરા રાજકોટમાં તિરુપતિનગર ખાતે રહે છે અને જંતુનાશક દવાઓનો વેપાર કરે છે. ભાવિકભાઈ તેમનાં પત્ની નયનાબહેન, ચાર વર્ષના પુત્ર અને સાળી સાથે રાજકોટથી કારમાં નીકળી પોતાના વતન ધારી તાલુકાના દિતલા ગામે જવા નીકળ્યા હતા. તેમની કારમાં બાબરા નજીક ઈંગરોલા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ખાડો અાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ભાવિકભાઈનાં પત્ની નયનાબહેન અને ચાર વર્ષના પુત્રનું ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. જ્યારે ભાવિકભાઈ અને તેમનાં સાળીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યાં છે. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા ઉપરાંત દ્વારકા રોડ પર ગોરિજા ગામ પાસે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થતાં ટ્રકના ક્લીનર સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટ્રકચાલક ટ્રક ઘટનાસ્થળે છોડી ફરાર થઈ ગયો હતો. અા ઘટનાના પગલે રોડ પરનો ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like