સટોડિયાની ઓફરની ICCને જાણ કરનાર કેપ્ટનનાં નામ જાહેર થયાં

લંડનઃ ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ એ ત્રણ કેપ્ટનનાં નામ જાહેર કર્યાં છે, જેમને સટોડિયાઓએ ફિક્સિંગ માટે મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ આ કેપ્ટનોએ ફિક્સિંગ કરવાનો ઇનકાર કરીને આ અંગેની જાણ આઇસીસીને કરી હતી.

જેન્ટલમેન લોકોની રમત કહેવાતી ક્રિકેટની દીવાનગી સતત વધતી જઈ રહી છે. આ રમતને પસંદ કરનારા લોકો દરેક દેશમાં હાજર છે. સમગ્ર દુનિયામાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર ક્રિકેટનો વ્યાપ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ આ રમતમાં ફિક્સિંગનું દૂષણ પણ વધતું જઈ રહ્યું છે.

ઘણા સખત નિયમો છતાં સટોડિયાઓ ફિક્સિંગને અંજામ આપી રહ્યા છે અને ક્રિકેટર્સને મોટી રકમની લાલચ આપીને તેમને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તમને એ જાણીને ખુશી થશે કે કેટલાક એવા ક્રિકેટર્સ પણ છે, જેમના માટે નાણાંથી ઘણું વધુ મહત્ત્વ પોતાની રમત અને ઇમાનદારીનું છે. અસલમાં આઇસીસીએ એ ત્રણ ક્રિકેટ કેપ્ટનોનાં નામ જણાવ્યાં છે, જેમને સટોડિયાઓએ ફિક્સિંગ માટે મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ એ કેપ્ટનોએ ફિક્સિંગ કરવાનો ઇનકાર કરી દીધો અને એ અંગેની બધી જાણકારી આઇસીસીને આપી દીધી.

‘ગાર્જિયન’ના અહેવાલ અનુસાર હાલ આ ત્રણ ક્રિકેટર્સમાંથી બે નામનો ખુલાસો થયો છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આમાં સૌથી પહેલું નામ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદનું છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારા કેપ્ટન સરફરાઝનો સટોડિયાઓ દ્વારા ગત ઓક્ટોબરમાં શ્રીલંકા સામે રમાયેલી વન ડે મેચની શ્રેણી પહેલાં સંપર્ક કરાયો હતો અને ફિક્સિંગ બદલ મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ સરફરાઝે ફિક્સિંગ કરવાનો ઇનકાર કરી દીધો અને આ વાતની જાણકારી આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટને આપી દીધી. બીજું નામ ઝિમ્બાબ્વેના કેપ્ટન ગ્રીન ક્રેમરનું છે.

સટોડિયાઓએ ક્રેમરનો વિન્ડીઝ સામે ગત ઓક્ટોબરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી પહેલાં સંપર્ક કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર આઇસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્તરને વધુ સારું બનાવવા માટે આવા સાત ‘લાઇવ’ મામલાની તપાસ કરી રહી છે. ક્રિકેટર્સને ફિક્સિંગમાં સામેલકરવા માટે સટોડિયાઓ એટલી મોટી રકમ ઓફર કરે છે કે જે અંગે કોઈ વિચારી પણ ના શકે. આ રકમનો આંકડો ૫,૦૦૦ ડોલરથી માંડીને દોઢ લાખ ડોલર સુધીનો હોય છે.

You might also like