38 ટેસ્ટથી ચાલી આવતી પરંપરા કેપ્ટન વિરાટે 39મી મેચમાં તોડી

સાઉથમ્પ્ટનઃ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ સંભાળનારાે વિરાટ કોહલી ૩૮ મેચ બાદ પહેલી વાર કોઈ ટેસ્ટ મેચમાં ટીમમાં કોઈ જ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઊતર્યો.

ટીમ જીતી હોય કે હારી હોય, વિરાટે દરેક વખતે અંતિમ ઈલેવનમાં ફેરફાર કર્યા, જોકે એમાં ઘણી વાર ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું એ પણ એક કારણ રહ્યું છે. પોતાની કેપ્ટનશિપવાળી ૩૯મી ટેસ્ટમાં કાલે વિરાટે ટીમમાં કોઈ જ ફેરફાર ન કરીને પરંપરા તોડી છે.

ગ્રીમ સ્મિથના નામે રેકોર્ડઃ વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચમાં અલગ અલગ ટીમ ઉતારવાનો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડી શક્યો નહીં. સ્મિથે ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તરીકે ૪૩ ટેસ્ટ મેચમાં દરેક વખતે ફેરફાર કરીને નવી ટીમ મેદાનમાં ઉતારી હતી.

વિરાટના નેતૃત્વમાં મોટા ભાગે ટીમ ઇન્ડિયા ભારત અને એશિયામાં રમી છે. ૨૦૧૫-૧૬ની ઘરેલુ સિઝનમાં ભારતમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતી, પરંતુ ટીમમાં ફેરફારનો ક્રમ સતત ચાલુ જ રહ્યો હતો.

ક્યારેક મુરલી વિજય તો ક્યારેક શિખર જેવા ઓપનર ઈજાગ્રસ્ત થવાથી તો ક્યારેક સ્પિનરોમાં સામંજસ્ય બેસાડવા માટે વિરાટે અંતિમ ઈલેવનમાં ફેરફાર કર્યા, જોકે હવે વિરાટને યોગ્ય ટીમ કોમ્બિનેશન મળી ગયું હોય એવું લાગે છે.

You might also like