કેપ્ટનને મારી કાર્ય પ્રણાલી સામે સમસ્યા હતીઃ કુંબલે

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કેપ્ટન વિરાટ કોહલી સાથેના મતભેદને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. કુંબલેએ સોશિયલ મીડિયામાં પોતાનું નિવેદન જારી કરીને કેપ્ટન સાથેના મતભેદોને જવાબદાર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલના એક દિવસ પહેલાં ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) સામે કેપ્ટન કોહલીએ કોચ કુંબલેની કાર્ય પ્રણાલીનો ખુલ્લો વિરોધ કર્યો હતો. સૂત્રોના વિરાટના વિરોધ બાદ ભારતના કોચને લઈને સીએસી દ્વિધામાં પડી ગઈ હતી. સીએસી (સચીન, સૌરવ, લક્ષ્મણ) પણ આ વિવાદને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા.

શું કહ્યું કુંબલેએ?
”સીએસી દ્વારા ફરીથી કોચ બનાવવાનો પ્રસ્તાવ આપીને વિશ્વાસ દેખાડવા બદલ આભાર. પાછલા એક વર્ષની સફળતાનો શ્રેય કેપ્ટન, આખી ટીમ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફને જાય છે. મને પહેલી વાર ગઈ કાલે બીસીસીઆઇએ જણાવ્યું કે કેપ્ટનને કોચ તરીકે મારી કાર્ય પ્રણાલી અને ભવિષ્યમાં ટીમ સાથે કામ કરવાથી સમસ્યા છે. મને આશ્ચર્ય થયું, કારણ કે મેં હંમેશાં કોચ અને કેપ્ટનના દાયરાનું જ ધ્યાન રાખ્યું છે. બીસીસીઆઇએ કેપ્ટન અને મારા વચ્ચેની ગેરસમજનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. મેં જ્યારે કોઈ ઉકેલ નીકળતો ના જોયો ત્યારે મેં પદ છોડવું વધુ યોગ્ય માન્યું. મેં પ્રોફેશનલ, શિસ્તબદ્ધ, સમર્પિત અને ઇમાનદારીથી કાર્ય કર્યું.

સારી ભાગીદારી માટે આ વાતોનું સન્માન જરૂરી હોય છે. મારું માનવું છે કે કોચનું કાર્ય ટીમના સારા પ્રદર્શન માટે અરીસો દેખાડવા જેવું હોય છે. જ્યાં સુધી ‘સમસ્યા’ની વાત છે, તો હું ઇચ્છું છું કે સીએસી અને બીસીસીઆઇ જેને વધુ સારો સમજે તેને આ જવાબદારી સોંપી દે. ગત એક વર્ષ દરમિયાન ભારતીય ટીમનો મુખ્ય કોચ હોવું મારા માટે સન્માનની વાત છે. હું બધાનો આભારી છું. ભારતીય ટીમના સમર્થન માટે બધા પ્રશંસકોનો પણ આભાર. હું મારા દેશની ક્રિકેટ ટીમનો શુભ ચિંતક બની રહીશ.”
http://sambhaavnews.com/

You might also like