જમીન દલાલનાં ઘરમાંથી તસ્કરો રૂ. ૧૩ લાખની મતા ચોરી ગયાં

અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલાં ઈસનપુરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. ઈસનપુરમાં રહેતાં એક જમીન દલાલનાં મકાનમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના દાગીના, રોકડા અને ઘડિયાળો વગેરે મળી રૂ. ૧૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત શાહઆલમમાં પણ તસ્કરોએ દાગીના તેમજ રોકડા રૂપિયા સહિત રૂ. ૧.૦૫ લાખની મતાની ચોરી કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસનપુર આનંદવાડી બસ સ્ટેન્ડ પાસેનાં રાજધાની બંગલોઝમાં અલ્કેશભાઈ ચંદુલાલ રાવલ રહે છે. અલ્કેશભાઈ પાલડીમાં જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. લંડનમાં રહેતાં તેમને પુત્રને ત્યાં પુત્રીનો જન્મ થયો હોઈ પતિ-પત્ની લંડન ગયા હતા.દરમિયાન ૧૪મી ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાં આવેલાં મંદિરમાં સેવા પૂજા માટે જે વ્યક્તિ રાખ્યાં હતાં તે રાતના સમયે ઘરે જતા રહ્યાં હતાં.

તે દરમિયાનમાં મોડી રાત્રે તસ્કરોએ અલ્કેશભાઈનાં ઘરમાં ત્રાટક્યાં હતાં અને મકાનના દરવાજાનું તાળું તોડી તેમના બેડરૂમમાં તિજોરી અને કબાટમાથી સોના-ચાંદીના દાગીના, ઘડિયાળો રોકડા ૧૬,૬૦૦ મળી કુલ રૂ. ૧૨.૫૯ લાખની મતા ચોરી ગયા હતા.અલ્કેશભાઈના ઘરમાં મંદિર આવેલું છે તેમાં શિવ ભગવાનની ૪ કિલોની ચાંદીની મૂર્તિ રૂ. ૨૫ લાખની કિંમતની સુદાન માળા તેમજ અન્ય ચાંદીના વાસણો હતાં. જે તસ્કરોએ ઉતારી મૂક્યાં હતાં, પરંતુ તે તેમના તેમજ યથાવત હતા.

બીજા દિવસે સવારે પૂજા કરવા તે વ્યક્તિ આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેઓએ આ અંગે અલ્કેશભાઈને લંડન જાણ કરતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ઈસનપુર પોલીસને આ બાબતે જાણ કરતાં ડીસીપીને પી.આઈ સહિતનો કાફલો ઘટનાસ્થળ દોડી ગયો હતો. હાલમાં ઈસનપુર પોલીસે ગુનો નોંધી પૂજા કરનાર વ્યક્તિ, નોકરી વગેરેની પૂછપરછ શરૂ કરી છે.

શાહ આલમ વિસ્તારમાં આવેલા અલફારૂક રો-હાઉસમાં રહેતાં હીનાબહેન શેખનાં ઘરમાં પણ બે દિવસ અગાઉ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યાં હતા અને તેઓ સોના-ચાંદીનાં દાગીના રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧૦.૫ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયાં હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like