ICCની પાક.ને લપડાકઃ દ્વિપક્ષી શ્રેણી રમવા ભારતને મજબૂર ના કરી શકીએ

કરાચીઃ પાકિસ્તાનને જોરદાર લપડાક મારતા આઇસીસીના મુખ્ય કાર્યકારી (સીઈઓ) ડેવ રિચર્ડસને સ્પષ્ટ કરી દીધું છે કે આઇસીસી ભારતને પાકિસ્તાન સામે દ્વિપક્ષી શ્રેણી રમવા માટે મજબૂર કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૧૪માં એક સમજૂતી થઈ હતી, જે અનુસાર બંને દેશને ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન છ દ્વિપક્ષી શ્રેણી રમવાની હતી, પરંતુ રાજકીય કારણોસર ભારતે શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે.

લાહોરમાં પત્રકારો સાથે વાત કરતાં રિચર્ડસને એ વાતને પણ નકારી કાઢી હતી કે આઇસીસીનો પાકિસ્તાનની સરખામણીમાં ભારત તરફ વધારે પડતો ઝુકાવ છે. તેમણે કહ્યું, ”ભારત જો પાકિસ્તાન સાથે રમવા માટે તૈયાર ના હોય તો તેને આઇસીસી મજબૂર કરી શકે નહીં. દ્વિપક્ષી શ્રેણી બે ક્રિકેટ બોર્ડ વચ્ચેની સમજૂતીથી રમી શકાય છે. અમે પણ ઇચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષી શ્રેણી રમે, પરંતુ એ બંને દેશ વચ્ચે રાજકીય તણાવ છે અને કોઈ પણ જાતનું ક્રિકેટ વર્તમાન સંબંધો પર નિર્ભર કરે છે.”

હાલ પાકિસ્તાનમાં રમી રહેલી વર્લ્ડ ઈલેવન ટીમમાં એક પણ ભારતીય ખેલાડી રમતો ન હોવા અંગે રિચર્ડસને કહ્યું, ”આનું મુખ્ય કારણ ભારતનો વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમ અને રાજકીય પરિસ્થિતિ છે. હાલ આ બંને દેશની રાજકીય પરિસ્થિતિ અને સંભવિત મુશ્કેલીઓને અવગણી શકાય નહીં. વળી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી શરૂ થઈ રહી છે. પાક.માં રમાતો ઇન્ડિપેન્ડન્સ કપ ભારતના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે જ છે. વળી જો કોઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ઈલેવનમાં હોય તો તમે સમજી શકો છો કે તેના પર કેટલું ફોકસ હોત. આ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ કેટલું દબાણ હોત. મારા મતે વર્લ્ડ ઈલેવનના કોચ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણો વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવ્યો છે.” વર્લ્ડ ઈલેવનમાં સૌથી વધુ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ હોવા અંગેનું કારણ આપતાં રિચર્ડસને કહ્યું, ”દ. આફ્રિકા હાલમાં કોઈ શ્રેણી રમતી નથી તેથી દ. આફ્રિકાના ખેલાડીઓ પાક.માં રમી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. વર્લ્ડ ઈલેવનની ટીમ પાક.માં રમવા આવી છે. આ શ્રેણીની બે મેચ રમાઈ ચૂકી છે. હાલ શ્રેણી ૧-૧ની બરોબરી છે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે રમાવાની છે, જે શ્રેણી વિજેતાનો નિર્ણય કરશે.

You might also like