ચંદ્રનગરના બ્રિજ પાસે અર્ધનગ્ન હાલતમાં યુવકની વિકૃત લાશ મળી

અમદાવાદઃ શાસ્ત્રીબ્રિજ પાસેથી ગઇ કાલે સાંજે અર્ધનગ્ન હાલતમાં યુવકની વિકૃત લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પિટલમાં મોકલી આપી છે. યુવકની હત્યા થઇ છે કે પછી કુદરતી રીતે મોત થયું છે તે માટે વી.એસ.હોસ્પિટલના પેનલ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

જુહાપુરા વિસ્તારમાં રહેતા વસીમભાઇ ગઇ કાલે વિશાલા સર્કલથી નારોલ જવાના રોડ પર આવેલા શાસ્ત્રી‌િબ્રજ નીચેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અવાવરું જગ્યાએ એક યુવકની અર્ધનગ્ન હાલતમાં વિકૃત લાશ જોતાં પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. પોલીસ ઘટનાની ગંભીરતાને લઇ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. પ્રાથ‌િમક તપાસમાં યુવકનું મોત એક સપ્તાહ પહેલાં થયું હોવાનું પોલીસ માની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકની લાશ અત્યંત વિકૃત હતી, જેથી તેની ઓળખ થઇ શકી નથી. આ સિવાય તેના શરીર પર ખાલી શર્ટ હતો. પોલીસનું માનવું છે કે યુવકને હત્યા કરીને ફેંકી દેવાયો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like