વિધાનસભાની ૮૯ બેઠક માટેની ઉમેદવારીનો ધમધમાટ આજથી શરૂ

અમદાવાદ: આજે વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકનું જાહેરનામું બહાર પડી ચુક્યું છે. આજથી ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવાર ફોર્મ ભરવાનું શરૂ કરશે. ર૦મી નવેમ્બરથી ફોર્મ ભરી શકાશે. રર અને ર૩ નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે ર૪મી સુધીમાં ઉમેદવારો તેમના ફોર્મ પરત ખેંચી શકશે. રપમી નવેમ્બરે ૮૯ બેઠકના ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ બેઠક માટે ૯ ડિસેમ્બરે મતદાન યોજાશે.

આ વખતે ચૂંટણીમાં પહેલીવાર વીવીપેટ મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે દરેક મત દીઠ સાત સેકન્ડ વધારે જોઇશે. તેના કારણે મતદાનનો સમય વધારવા માટે તમામ પક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી. પરંતુ મતદાનનો સમય સવારના ૮ થી પ જાહેર કરીને ચૂંટણી પંચ સમય વધારવાની માગ નકારી છે.

રાજ્યની ૧૮ર બેઠક માટે ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજનારી ચૂંટણીમાં માટે પંચ સજ્જ છે. પહેલા તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. મતદાન દરમિયાન દરેક મતદાન મથકમાં મતદારોની જે લાઇન થશે તેમાં એક પુરુષ મત આપે તે પછી બે મહિલાઓને મતદાન કરવા દેવાની વ્યવસ્થા ગોઠવાશે.

રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ર૦ ડિસેમ્બરે પૂરી થશે ત્યારે મતની ગણતરી ૧૮ ડિસેમ્બરે થશે. ગત વર્ષની તુલનાએ પુરુષ અને મહિલા મતદારની સંખ્યામાં વધારો થયો છે. આ વખતની ચૂંટણી કિન્નરોની સંખ્યા ૬૮૮ છે તેમાં ૪૯૯ની સંખ્યાનો વધારો થયો છે. તમામ ચૂંટણી મથકોએ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારો ફોર્મ ચકાસવાથી લઇને તમામ જાણકારી અંગે ટ્રેનિંગ આપવામાં આવી છે. પ૦,૦૦૦થી વધારે બૂથ પર યોજનારા મતદાનમાં એક બૂથમાં એક ઇવીએમમાં અંદાજે ૧ર૦૦ થી ૧૪૦૦ મતદાન કરી શકશે જે બૂથમાં ૧૪૦૦થી વધારે મતદાન હશે તેમાં પૂરક ઇવીએમ મૂકવામાં આવશે.

આજથી ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટેના તમામ કાર્યની શરૂઆત થઇ ચૂકી છે ઉમેદવારોએ ખર્ચના રજિસ્ટરો ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા પડશે. ચૂંટણી સ્ટાફને મોબાઇલ મારફતે તેમણે કઇ જગ્યાએ ફરજ બજાવવાની તે સહિતની તારીખ અને સમયની વિગત અગાઉથી આપી દેવામાં આવશે.

You might also like