જોખમી શોર્ટકટ: ચાંદલોડિયા મીટર ગેજ રેલવેબ્રિજ પર રહીશો પાટા પરથી ટુ વ્હીલર ચલાવે છે

અમદાવાદ: જિંદગીમાં શોર્ટકટ લેવામાં કેટલાય લોકો પોતાની જિંદગી બરબાદ કરી ચૂક્યા છે અથવા ગુમાવી ચૂક્યા છે. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી રેલવે લાઈન ઉપર મીટર ગેજ લાઈનના બ્રિજ પરથી ટુ વ્હીલર વાહન ચાલકો શોર્ટકર્ટ રસ્તો અપનાવી પોતાની જિંદગીને શોર્ટ કરવાનું જોખમ ખેડી રહ્યા છે. આ બ્રિજ પર રેલવે તંત્ર દ્વારા સામાન્ય રસ્તો ન હોવાનું બોર્ડ મારવા છતાં વાહન ચાલકો બ્રિજ પર પાટા પરથી વાહન ચલાવી જાય છે. રેલવે તંત્ર અથવા રેલવે પોલીસ દ્વારા આ બાબર પર કોઈ ધ્યાન આપતું નથી.

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઈનની ઉપર એક મીટર ગેજ રેલવે લાઈન પસાર થાય છે. દરરોજ કેટલાય ટુ વ્હીલર ચાલકો ફરીને ઓવરબ્રિજ પર થઈને
અથવા જીએસટી ફાટક સુધી ન જવું પડે તે માટે આ મીટર ગેજ રેલવે લાઈન બ્રિજ ઉપર પાટા ઉપર થઈને વાહન ચલાવી પસાર થાય છે. શોર્ટકટથી જવા માટે લોકો જોખમ ખેડે છે. છેલ્લા કેટલાય સમયથી આ રીતે વાહન ચાલકો પોતાની જિંદગીને જોખમમાં મૂકી અને બ્રિજ પરથી પસાર થાય છે. છતાં પણ રેલવે તંત્ર અથવા પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી.

દરરોજ સ્કૂલેથી આવતાં જતાં બાળકો તેમજ લોકો પોતાના જીવના જોખમે આ બ્રિજને ઓળંગીને જાય છે. આ ટ્રેક પર વાહન ચલાવી પસાર થતા કેટલાક ટુ વ્હીલર ચાલકો બેલેન્સ ન રહેતાં પટકાયા છે. છતાં તેઓની આંખ ઊઘડતી નથી. આવા જીવના જોખમે રેલવે બ્રિજ પર પાટા ઉપર વાહન ચલાવતા વાહન ચાલકોને રેલવે તંત્ર અને રેલવે પોલીસ રોકી શકે છે કે કેમ તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

હવેથી વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે
સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.જી. પટેલે જણાવ્યું હતું કે રેલવે પાટાની ઉપર વાહન ચલાવીને ન જઈ શકાય. આ ગુનો બને છે આ વાત મારા ધ્યાન ઉપર આવી છે. હવેથી રેલવે પાટા ઉપરથી વાહન ચલાવીને જનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાશે. ઉપરાંત વાહન પણ ડિટેઈન કરવાની કાર્યવાહી કરાશે.

રેલવે પ્રશાસન દ્વારા સખત કાર્યવાહી થશે
પશ્ચિમ રેલવે અમદાવાદના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલવેના પાટાની ઉપર અથવા રેલવેલાઈનની નજીક વાહન ચલાવી શકાય નહીં. આ રીતે રેલવે ઓવરબ્રિજ પરથી વાહન ચલાવનાર સામે રેલવે પ્રશાસન સખત કાર્યવાહી કરશે.

ફાટક બંધ હોવા છતાં લોકો પાટા અોળંગીને જાય છે
શહેરમાં અાવેલા અનેક બ્રિજ અને ફાટકો પર લોકો પોતાની જાનને જોખમમાં મૂકીને પાટા અોળંગતા હોય છે. શહેરના મણિનગર, જીઅેસટી ફાટક, અાંબલી તેમજ વેજલપુર વિસ્તારમાં અાવેલા રેલવે ફાટક બંધ હોય ત્યારે લોકો ફાટકની નીચેથી પોતાનું વાહન કાઢીને પાટા અોળંગીને જતા હોય છે. અા રીતે દરરોજ અનેક લોકો પોતાની જાનને જોખમમાં મૂકીને શોર્ટકટથી ઉતાવળે પહોંચવામાં પોતાની જિંદગી ગુમાવતા હોય છે. થોડા દિવસ અગાઉ જીએસટી ફાટક પાસે એક બાળકી ફાટક બંધ હોવા છતાં પોતાની સાઈકલ લઈ ટ્રેન નીકળ્યા બાદ તરત પાટા અોળંગવા જતા ટ્રેનના છેલ્લા ડબ્બાને અડફેટે અાવી જતા તેનું મોત નિપજ્યું હતું.

You might also like