આસામના આરોગ્ય મંત્રી સરમાએ બફાટ કર્યો, ‘કેન્સર એ પૂર્વ જન્મના પાપનું ફળ છે’

આસામના મંત્રી હેમંત બિશ્વ સરમા ગજબનું નિવેજન આપવાના કારણે વિવાદમાં ફસાઈ ગયા છે. ગુવાહાટીના એક કાર્યક્રમમાં મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘કેન્સર થવું કે અકસ્માત થવો તે પૂર્વ જન્મના પાપનું પરિણામ છે. આ ઈશ્વરનો ન્યાય છે. ઈશ્વરનો ન્યાય થઈને જ રહે છે. કોઈ ઈશ્વરના ન્યાયમાંથી બચી શકતું નથી.’

ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં હેમંત સરમાએ કહ્યું કે, ‘જરૂરી નથી કે અમે જ ભૂલો કરીએ. ઘણી વાર માતા પિતા પણ ભૂલો કરે છે, અને તેની પણ સજા ભોગવવી પડે છે.’ કેન્સર જેવી બીમારીથી પીડાતા દર્દીઓ માટે આવું વિચિત્ર નિવેદન આપતાં મંત્રી વિવાદમાં ફસાઈ ગયા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આસામના મંત્રી હેમંત સરમાએ કહ્યું કે, કેન્સર પૂર્વ જન્મના પાપનું ફળ છે. એક આદમી પર પાર્ટી બદલવાથી આ અસર થાય છે.’

ઉલ્લેખનીય છે કે મંત્રી સરમા પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા, પરંતુ ચૂંટણી પહેલા જ તેમણે ભાજપનો ભગવો પહેરી લીધો છે. જો કે ચિદંબરમને જવાબ આપતાં મંત્રીએ ફરીથી લખ્યું છે કે, ‘સર, પ્લીઝ. મારા નિવેદનને તોડી મરોડી રજૂ ન કરો. હિંદુ ધર્મ કર્મોના ફળ પર વિશ્વાસ રાખે છે અને મનુષ્યના દુખોનું કારણ તેના પૂર્વ જન્મના ફળ જ છે. શું તમે તેમાં વિશ્વાસ નથી કરતા? મને નથી ખબર કે તમારી પાર્ટી પર હિંદુ ધર્મ પર ચર્ચા થાય છે કે નહીં?’

You might also like