કેન્સર હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દીના સગાનો છરી વડે હુમલો

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ગઈ કાલે મોડી રાતે દર્દીના સગાએ રેસિડન્ટ ડોક્ટર અને સિક્યોરિટી ગાર્ડ પર સારવાર બાબતે બોલાચાલી બાદ છરી વડે હુમલો કરતાં સનસનાટી મચી ગઇ હતી. રેસિડન્ટ ડોક્ટર પર વધુ એક હુમલાનો બનાવ બનતાં અાજ સવારથી જ કેન્સર હોસ્પિટલના તમામ રેસિડન્ટ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઊતરી ગયા હતા. ડોક્ટરોઅે સૂત્રોચ્ચાર કરીને પોલીસ પ્રોટેક્શન અાપવાની અને મુખ્ય અારોપીને ઝડપવાની માગ કરી હતી. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલમાં બે અારોપીઅોની અટકાયત કરીને અન્ય અારોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

નરોડા રોડ પર આવેલી ચામુંડા બ્રિજ પાસે જીસીએચ મેડિકલ કોલેજમાં રહેતા ડોકટર અશોકકુમાર સિંહ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગઇ કાલે મોડી રાત્રે ડો.અશોકકુમાર હોસ્પિટલમાં ફરજ પર હાજર હતા તે સમયે શેક કરાવવા માટે આવેલા દર્દીના સગા સાથે અશોકકુમારને બોલાચાલી થઇ હતી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર અશોકકુમાર દર્દી તેમજ તેમનાં સગાં વહાલાં સાથે જેમ ફાવે તેમ બોલતાં મામલો બિચકયો હતો. જોતજોતામાં મામલો એ હદે ઉગ્ર થઇ ગયો કે દર્દી તેમજ સગાએ ડોકટર બીભત્સ શબ્દોમાં બોલવાનું શરૂ કરી દીધું હતું. દરમ્યાનમાં સિકયોરિટી ગાર્ડ વચ્ચે પડતાં મામલો વધુ ઉગ્ર બનતાં દર્દી સાથે આવેલા બંટી નામના યુવકે ચપ્પુ કાઢી ડોકટર તેમજ સિકયોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ડોકટર અને સિકયોરિટી ગાર્ડને ઇજા પહોંચતાં તેમને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ શાહીબાગ પોલીસને થતાં તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શાહીબાગ પોલીસે બન્ટી નામના યુવક સહિત ત્રણ શખસ અને એક મહિલા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી બે અારોપીઅોની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે ર૬ માર્ચના રોજ મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દર્દીને સમયસર સારવાર ન મળતાં મોત થયાના આક્ષેપ  સાથે દર્દીનાં સગાંએ સાંજે સિવિલના ટ્રોમા સેન્ટરના મહિલા ડોક્ટર અને સિક્યોરિટી સ્ટાફ સાથે મારામારી કરી હતી, જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે.

આ કેસમાં લાલતાગીરી નામની વ્યક્તિને અકસ્માતમાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. ડોક્ટરોએ બપોરે 2 વાગ્યે આઇસીયુમાં શિફ્ટ કરવાનું જણાવી સાંજના 8.00 વાગ્યા સુધી તેમને આઇસીયુમાં શિફ્ટ કર્યાં ન હતાં. રાત્રે દર્દીનું મોત થયું હતું, જેથી દર્દીઓનાં સગાં રોષે ભરાયાં હતાં.

આ હોબાળા વચ્ચે વધુ એક દર્દીને ઈમર્જન્સીમાં સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લાવ્યા હતા. જે દર્દીને ઇમર્જન્સીમાં લાવ્યા હતા તે અને બીજા દર્દીનાં સગાંએ ભેગાં મળી 25થી 30 માણસોના ટોળાએ હોબાળો કર્યો હતો. ડોક્ટરની સાથે ઝપાઝપી કરતાં સિક્યોરિટી ગાર્ડ પણ દોડી આવ્યા હતા. ટોળાએ સિક્યોરિટી ગાર્ડ સહિત સર્જરીના રેસિડેન્ટ ડો. ઝલકને માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતાં શાહીબાગ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ અંગે ઝોન-૪ ડીસીપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે મોડી રાત્રે કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીના પરિવારજનો અને ડોક્ટર વચ્ચે સારવાર મુદ્દે બોલાચાલી અને મારામારી થઇ હતી. આ ઘટનામાં સિક્યોરિટી ગાર્ડને સામાન્ય ઇજા થઇ છે. સિવિલ હોસ્પિટલમાં ફરી એક વાર હુમલાની ઘટના બનતાં સિક્યોરિટી બાબતે તેઓએ જણાવ્યું હતું કે કિડની હોસ્પિટલ, યુએન મહેતા હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલ છે. તે અંગે અલગથી સિક્યોરિટી છે અને પોલીસ પાસે તેમણે કોઇ માગણી કરી નથી. ડોક્ટરો પર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાની ઘટનાઓ વધતાં આ ત્રણેય હોસ્પિટલમાં પણ સત્તાધીશો સાથે ચર્ચા કરીને સિક્યોરિટી પૂરી પાડવા અંગે નિર્ણય લેવાશે.
http://sambhaavnews.com/

You might also like