ભારે વરસાદના પગલે ર૪ ટ્રેન રદ

અમદાવાદ: રાજ્યભરમાં પડી રહેલા સતત વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઇ જતાં આજે ર૪ ટ્રેન રદ કરાતાં અમદાવાદ રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઇ પડ્યા છે. બાકી હોય તેમ ખાવાની ચીજોના બમણા ભાવ સ્ટોલધારકોએ વસૂલતાં પ્રવાસીઓ બેવડો માર ભોગવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરો જગ્યાના અભાવે અટવાઇ રહ્યા છે. સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાના કારણે પ્લેટફોર્મની બહાર નીકળવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યું છે. પાણી ભરાવાના કારણે આજે સવારથી કલોલ સેક્શન પણ બંધ કરાયું છે.

પાલનપુર પાસે કચ્છ એક્સપ્રેસમાં ફસાયેલા ૯૦૦ મુસાફરોને વેસ્ટર્ન રેલવે દ્વારા ર૦ બસમાં અમદાવાદ સુધી લવાયા હતા. દૂધની કૃત્રિમ અછત ઊભી કરાયા બાદ ચાની એક ચુસ્કી રેલવે સ્ટેશન પર રૂ.ર૦માં વેચાઇ રહી છે.

તિરુનવેલી-ગાંધીધામ, જોધપુર-વલસાડ, જોધપુર-અમદાવાદ, અમદાવાદ-આગ્રા, દાદર-બિકાનેર, અમદાવાદ-મહેસાણા, અમદાવાદ-આબુ, પાટણ,-અમદાવાદ, પાલનપુર-અમદાવાદ, અજમેર-પાલનપુર, ગાંધીધામ-દાદર-ભૂજ, પાલનપુર-ભૂજ, ભૂજ-દાદર, દાદર-બિકાનેર, ગાંધીધામ-બાન્દ્રા આવતી-જતી કુલ ર૪ ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે ૭ ટ્રેન આં‌િશક રદ કરાઇ છે.

અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ રિશેડયૂલ કરાઇ છે, જ્યારે ૪ ટ્રેન ડાઈવર્ટ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાતાં ભિલડી-જોધપુર રૂટ રેલ ટ્રેક ધોવાયો છે તો વીરમગામ-સામ‌િખયાળી રેલવે સેક્શન અને કલોલ સેક્શનમાં પણ ટ્રેક પર પાણી ફરી વળતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ટ્રેકની મરામતની કામગીરી બાદ તેને રેગ્યુલર થતાં હજુ એક સપ્તાહનો સમય લાગશે તેવું રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like