કેનેડાની સ્કૂલમાં ફાયરિંગઃ પાંચનાં મોતઃ બે ગંભીર

ઓટાવા: કેનેડાના સસ્કેટચેવનના અંતરિયાળ વિસ્તારની એક સ્કૂલમાં ફાયરિંગ થતાં પાંચનાં મોત થયાં હોવાના સમાચાર છે. અા હુમલામાં ઘાયલ થયેલ બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શાળામાં ગોળીબાર થયાની ઘટનાને સમર્થન આપ્યું હતું. આ સ્કૂલમાં ૯૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર સસ્કેટચેવનની લા લોશ કોમ્યુનિટી સ્કૂલમાં ફાયરિંગની આ ઘટના બની હતી. ફાયરિંગનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાંના મેયરે જણાવ્યું હતું કે વાસ્તવમાં ખરેખર શું થયું છે તેની મને ખબર નથી. આ ઘટના એક ઘરથી શરૂ થઇને શાળામાં સમાપ્ત થઇ હોવાનું જાણવા મળે છે. પોલીસે સ્કૂલની બહારથી એક શકમંદની ધરપકડ કરી છે. કેનેડામાં આ પ્રકારના હુમલા ભાગ્યે જ બનતા હોય છે. અમેરિકાની તુલનાએ અહીં બંદૂકને લઇને કાયદાઓ વધુ કડક છે. આ અગાઉ ૧૯૮૯માં મોન્ટ્રિયલની ઇકોલે પોલિટેકનિકમાં હુમલો થયો હતો. જેમાં ૧૪ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં.

સ્વિટ્ઝર્લેન્ડમાં દાઓસ ખાતે વર્લ્ડ ઇકોનોમી કોન્ફરન્સમાં હાજરી આપવા ગયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે લા લોશ કોમ્યુનિટી સ્કૂલમાં જે ઘટના બની તે કોઇ પણ માતા પિતા માટે દુઃસ્વપ્ન સમાન છે. સ્કૂલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સ્કૂલમાંથી ચીસો સાંભળવા મળી હતી અને ફાયરિંગના છથી સાત અવાજ સાંભળવા મળ્યા હતા.

You might also like