કેનેડામાં ભારત સહિત અન્ય ત્રણ દેશ માટે વિઝાના નિયમોમાં રાહત

ટોરેન્ટો: કેનેડામાં ભારત સહિત અન્ય ત્રણ દેશ માટે વિઝાના નિયમોમાં રાહત આપવામાં આવી છે. વિઝા પ્રોસેસિંગના સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) નામના પ્રોગ્રામ અંતર્ગત આ પ્રક્રિયાનો સમય ઘટાડીને ૪૫ દિવસ કરી દેવામાં આવ્યો છે એટલે હવેથી ૪૫ દિવસમાં કેનેડા માટેના સ્ટુડન્ટ વિઝા મળી જશે, જે અગાઉ ૬૦ દિવસમાં મળતા હતા.

ચીન, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશને પણ આ વિઝા રાહતનો લાભ મળી રહેશે. આ માટેની શરત એટલી છે કે વિદ્યાર્થીઓએ બતાવવું પડશે કે તેની પાસે નિયત નાણાકીય ફંડ અને ભાષા પરનું પ્રભુત્વ છે. લેન્ગ્વેજ સ્કિલ બાદ એસડીએસ પ્રોગ્રામ અંતર્ગત કેનેડામાં ભણવા માટે વિદ્યાર્થી યોગ્ય ગણાશે.

ઇમિગ્રેશન અને રિફ્યૂઝિસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના એક નિવેદન અનુસાર આ પહેલાં સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ અંતર્ગત વિઝા મેળવવા માટેની પ્રક્રિયા જટિલ અને લાંબી હતી.

ડોક્યુમેન્ટ પણ વધુ માગવામાં આવતા હતા. કેનેડામાં ૪૦થી વધારે કોલેજો માટે વિઝા આપવામાં આવતા હતા, પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં લાગુ કરવામાં આવેલા એસડીએસ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ડેઝિગ્નેટેડ લર્નિંગ કોલેજમાં અભ્યાસ કરી શકશે. એક તરફ બ્રિટન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના સરળ નિયમોમાંથી બાકાત રાખ્યા છે એવા સમયમાં કેનેડાએ આ પ્રકારની જાહેરાત કરી હતી.

You might also like