કેનેડાની મસ્જિદમાં નમાજ દરમિયાન AK-47થી ગોળીબારઃ પાંચનાં મોત

ક્યુબેક સિટી (કેનેડા): કેનેડામાં ક્યુબેક સિટીની એક મસ્જિદમાં નમાજ દરમિયાન કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં પાંચના મોત થયાં છે. મસ્જિદના અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે લોકો જ્યારે ઈસ્લામિક કલ્ચરલ સેન્ટ્રલની મસ્જિદમાં સાંજની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે એકે-૪૭ રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવતાં પાંચ લોકોનાં મોત થાય છે. ગોળીબાર કર્યો ત્યારે મસ્જિદમાં ૪૦ જેટલા લોકો હાજર હતા. તેઓ જ્યારે નમાજ પઢી રહ્યા હતા ત્યારે ત્રણ જેટલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં પાંચના સ્થળ પર જ મોત થયાં હતાં. પોલીસને આ હુમલાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલા બાદ પોલીસે મસ્જિદ ફરતે કડક સુરક્ષા જાપતો ગોઠવી દીધો છે. જોકે પોલીસે આ બાબતમાં કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

ક્યુબેક પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાને સમર્થન આપ્યું હતું. સ્થળ પર હાજર પોલીસે પણ આ ઘટનામાં પાંચનાં મોત થયાના અહેવાલોને પણ સમર્થન આપ્યું છે. ક્યુબેક પોલીસના પ્રવકતાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોળીબારની આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોના મોત થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર શકમંદ હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. મસ્જિદના અધ્યક્ષ મહંમદ યાંગુઈએ આ હુમલાની ઘટનાની અત્યંત દુઃખદ ગણાવીને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે? આ અત્યંત ક્રૂર અને બર્બર ઘટના છે. આ ઘટના વખતે મસ્જિદના અધ્યક્ષ યાંગુઈ મસ્જિદની અંદર હાજર ન હતા.

તેમણે જણાવ્યું હતું કે ગોળીબાર બાદ મસ્જિદમાં હાજર લોકોએ તેમને ફોન કરીને આ હુમલાની જાણ કરી હતી. ઘાયલ લોકોને ક્યુબેક સિટીની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૂન ૨૦૧૬માં આ મસ્જિદની બહાર સીડી પર કોઈએ ભૂંડનું માથું મૂકી દેતાં તંગદિલી સર્જાઈ હતી. ક્યુબેક સિટીમાં મુસ્લિમોની સારી એવી વસ્તી છે. તેમાંના મોટા ભાગના ઉત્તર અમેરિકાથી આવેલા ઈમિગ્રન્ટસ છે.

૨૦૧૫ની રાષ્ટ્રીય ચૂંટણી દરમિયાન મુસ્લિમ મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવતો હિજાબ એક મુખ્ય ચૂંટણી મુદ્દો બની ગયો હતો. અહીંની બહુમતી વસ્તી જાહેર કાર્યક્રમોમાં આ પ્રકારના હિજાબ પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરી રહી હતી. તાજેતરના વર્ષોમાં ક્યુબેક સિટીમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા વધતા અહીં ઈસ્લામ વિરુદ્ધ એક માહોલ ઉભો થયો છે. વર્ષ ૨૦૧૩માં પણ પોલીસ સમક્ષ ક્યુબેક સિટીની એક મસ્જિદનો મામલો આવ્યો હતો. મસ્જિદમાં સારું એવું લોહી ફેલાયેલું હતું. મુસ્લિમ સમુદાયને આશંકા હતી કે તે ભૂંડનું લોહી છે. વર્ષ ૨૦૧૫માં ક્યુબેકની પડોશમાં આવેલા ઓન્તાર્યો પ્રાંતની એક મસ્જિદમાં એક આગની ઘટના બની હતી. પેરિસમાં થયેલા આતંકી હુમલાના એક િદવસ બાદ જ આ આગની ઘટના ઘટી હતી.

http://sambhaavnews.com/

You might also like