વિરાટનો આક્રોશઃ મોટા સ્કોરવાળી પીચથી સારા બોલર તૈયાર ના થઈ શકે

નાગપુરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે ટેસ્ટ જીતી લીધા બાદ સ્પષ્ટ કર્યું કે સ્પિનર્સને મદદરૂપ પીચ તૈયાર કરવાની કોઈ ‘નીતિ’ નથી, પરંતુ સપાટ અને બેટિંગ માટે અનુકૂળ પીચ પર રમવાથી ક્યારેય મેચ વિજેતા બોલર તૈયાર ના કરી શકાય. કોહલીએ કહ્યું, ”આ નીતિ નથી. ભારતમાં અમને આવી પરિસ્થિતિઓ મળે છે, અન્યથા ટેસ્ટ મેચમાં ૫૦૦ રન બનાવીને તમે મેચ વિનર બોલર તૈયાર કરી ના શકો કે ટેસ્ટ મેચ જીતી ના શકો. મેં અગાઉ પણ કહ્યું હતું કે ટેસ્ટ મેચ જીતવી મહત્ત્વની છે.

તમે દુનિયામાં ક્યાંય જાઓ, તમારે ત્યાંની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને એ હિસાબથી અમારે અમારી રમતમાં તાલમેલ બેસાડવો પડે છે.” વિરાટે એવા ટીકાકારો પર નિશાન સાધ્યું હતું, જેઓએ શ્રીલંકાના ગાલે ટેસ્ટમાં મેચ હારી ગયા બાદ ભારતીય ટીમ અને સ્પિનર્સની આકરી ટીકા કરી હતી. કોહલીએ કહ્યું, ”મને યાદ છે કે થોડા સમય પહેલાં અમારી ઇનિંગ્સ લથડાઈ ગઈ હતી અને કોઈએ કહ્યું કે અમારી બેટિંગમાં ફાસ્ટ બોલર્સ સામે તો સુધારો થઈ ગયો છે, પરંતુ અમે નથી જાણતા કે સ્પિન બોલર્સ સામે કેમ રમવું જોઈએ. હવે જ્યારે અમે સ્પિનર્સને અનુકૂળ પીચ પર રમી રહ્યા છીએ તો એ પણ એક સમસ્યા બની ગઈ છે. હું નથી જાણતો કે અમને છેવટે સંતુલન ક્યાં મળશે?

વિરાટે બીજા દેશના ખેલાડીઓ (કોઈનું નામ લીધા વિના)ની ટીકા કરી કે હજારો માઇલ દૂર બેસીને તેઓ પીચની ટીકા કેવી રીતે કરી શકે? વિરાટે કહ્યું કે હાશિમ આમલા અને ફાફ ડુ પ્લેસિસે દેખાડ્યું કે તમે પૂરી એકાગ્રતા સાથે રમતા હો તો આવી પીચ પર ટકી શકાય છે. આ ફક્ત માનસિકતા સાથે જોડાયેલો મામલો છે. લોકો પોતાના વિચારો રાખી રહ્યા છે અને તેઓ આવું કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ અમે એવું નથી માનતા. આમલા અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પીચ પર એકાગ્રતાથી પીચ પર ઊભા રહી શકાય છે.”

ભારતીય ટેસ્ટ કેપ્ટને કહ્યું કે, ”જ્યારે અમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે અમે ફરિયાદ નથી કરી અને ભવિષ્યમાં પણ અમે ફરિયાદ નહીં કરીએ. અમે અમારી રમતમાં સુધારો કરવાની કોશિશ કરીશું. પાછલાં કેટલાંક વર્ષોમાં દક્ષિણ આફ્રિકાને બાદ કરતાં બધી ટીમોએ ફક્ત ઘરેલુ વિકેટ પર જ સારું પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકાએ વિદેશી ધરતી પર પાછલાં નવ વર્ષમાં પહેલી વાર શ્રેણી ગુમાવી છે. જો તમે પાછલાં કેટલાંક વર્ષોના આંકડા પર નજર કરશો તો દરેક ટીમનો ઘરેલુ શ્રેણીમાં જ દબદબો રહ્યો છે. વિદેશમાં જીત મેળવનારી એક કે બે ટીમ છે.”

You might also like