અમેરિકા મુસ્લિમો પર પ્રતિબંધ લગાવવાની દિશામાં આગળ વધશેે

વોશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ તેમની ટીમે જે ૧૦ સૂત્રી યોજના તૈયાર કરી છે તેના પરથી લાગી રહ્યું છે કે અમેરિકા તરફથી મુસ્લિમો પર પ્રતિબંધ લગાવવાની દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સત્તા પરિવર્તનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ટ્રમ્પની ટીમ (ટ્રાન્ઝિશન ટીમ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવી, કેટલાક દેશો માટે વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવો અને કાનૂની વ્યવસ્થામાં સુધારો કરવા જેવી બાબતો આ યોજનાના દાયરામાં આવે છે. એચ-૧-બી વિઝા અંગે નરમ વલણના સંકેત આપતાં ટીમે જણાવ્યું કે કાનૂની વ્યવસ્થામાં જે સુધારો થશે તે અમેરિકા અને તેના શ્રમિકોનાં હિતોને ધ્યાનમાં લઈને કરવામાં આવશે.

આ વિઝામાં ફેરફાર થતાં સૌથી વધુ અસર આઈટી ક્ષેત્રે કાર્યરત ભારતીય લોકો પર પડે તેવી શંકા છે, જોકે આ અંગે હજુ વિસ્તૃત માહિતી કે વિવરણ રજૂ કરવામાં આવ્યું નથી, પરંતુ તેમાં મોટા ભાગે એવી ની‌િતઓ સામેલ છે કે જેનો ટ્રમ્પે તેમના પ્રચાર વખતે ઉલ્લેખ કર્યો હતો, જોકે તેમની નિવેદનબાજીનો આવા ની‌િત નિર્ધારણમાં સમાવેશ થયો હોવાના સંકેત મળી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમે જણાવ્યું છે કે ક્ટ્ટરપંથી વિચારસરણી, પરમાણુ હથિયાર અને સાયબર હુમલા જેવી બાબતો દેશની સુરક્ષા માટે ખતરનાક બની રહે છે. તેથી તેમની સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપશે. આ ઉપરાંત અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને નિર્વાસિત કરવામાં આવશે.

You might also like