કોડ ફોર અમદાવાદ: સ્માર્ટ સિટીની દિશામાં કદમ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અભિયાનના ભાગરૂપે ‘કોડ ફોર અમદાવાદ’ સિટી હેકેથોનનો અાજથી પ્રારંભ થયો છે. બોડકદેવના ભાસ્કરરાવ પંડિત હોલમાં આજે સવારના દશ વાગ્યાથી આવતી કાલના સવારના દશ વાગ્યા સુધી નાગરિકો માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવાની વણથંભી કવાયત હાથ ધરાઇ છે.

આજના આ કાર્યક્રમમાં કેન્દ્રીય સચિવ અમિતાભકાંત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. ‘અમદાવાદ સ્માર્ટ સિટી હેકેથોન ૨૦૧૫’ હેઠળ શહેરીજનો માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા ૩૧ ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આમ તો કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ સમક્ષ ગત તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીમાં ૪૮ ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરાયું હતું.

જોકે શહેરની ટેક્નોલોજી વિષયમાં રસ ધરાવતા લોકોના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં લઇને આયોજકો દ્વારા કુલ ૩૧ ટીમનો સ્પર્ધામાં સમાવેશ કરાયો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નવ ટીમ, સિટીઝન એપમાં પાંચ ટીમ, વોટર ક્વોલિટી મોનિટરિંગમાં પાંચ ટીમ, નાગરિકો અને અધિકારીઓ વચ્ચેની ઇ-મિટિંગ માટે છ ટીમ અને મહિલા સલામતી માટે છ ટીમ વચ્ચે સ્પર્ધા છે.

આ તમામ ૩૧ ટીમ દ્વારા આજે સવારના ૧૦ વાગ્યા સુધી આવતી કાલના સવારના ૧૦.૦૦ વાગ્યા સુધી કોડિંગ કરાશે. ત્યાર બાદ આ ટીમો દ્વારા પ્રસ્તુત થનારા ડેમોસ્ટ્રેન્શનના આધારે વિજેતા ટીમની પસંદગી કરાશે. હેકેથોન સ્પર્ધાનો પાંચ વિષયની વિજેતા ટીમને જાન્યુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો લહાવો અપાશે. કેન્દ્રીય સચિવ અમિતાભકાંતે અમદાવાદ દેશભરનાં શહેરોમાં સ્માર્ટ સિટીના મામલે નેતૃત્વ કરશે તેમ પણ પોતાના પ્રાસંગિક ઉદ્ઘાટનમાં જણાવ્યું હતું.

કોડ ફોર અમદાવાદની સ્પર્ધાના દરેક વિભાગમાં એક વિજેતા ટીમના સભ્યોને પ્રતિવ્યક્તિ રૂ. ૭૦૦૦નું ઇનામ પણ અપાશે. અમેરિકામાં ભારતમાં વસતા ભારતીય ટેક્નોલોજી એન્જિનિયરો દ્વારા ‘કોડ ફોર ઇન્ડિયા’ સંસ્થાની સ્થાપના કરાઇ છે. આ સંસ્થા ટેક્નોલોજીનો ઉપયોગ કરી સમાજજીવનમાં બદલાવ લાવવા માટે ચાલતી સેવાભાવી સંસ્થા છે. ‘કોડ ફોર ઇન્ડિયા’ દ્વારા તાજેતરમાં વડા પ્રધાનની કેલિફોર્નિયાની યાત્રા દરમિયાન ગૂગલની ઓફિસ ખાતે આવા જ એક હેકેથોનનું આયોજન કરાયું હતું. કેન્દ્રના સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ કોર્પોરેશનમાં વિવિધ ટેક્નોલોજીપ્રૂફ સેવાઓ પૂરી પાડવા માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે.

અમદાવાદમાં નિબંધ સ્પર્ધા, લોગો સ્પર્ધા, ટેગ લાઇન સ્પર્ધા વગેરે યોજાઇ રહી છે.
વિશ્વકક્ષાએ ટેક્નોલોજીકલી એડ્વાન્સ શહેરો જેવાં કે ન્યૂયોર્ક, બાર્સેલોના, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો દ્વારા “હેકેથોન” સ્પર્ધા કરાય છે અને હવે અમદાવાદમાં ભારતની સૌપ્રથમ ‘સિટી હેકેથોન’ યોજાઇ છે.

You might also like