યુપીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે શાંત

નવી દિલ્હી: યુપીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજના પાંચ વાગ્યાથી બંધ થઈ જશે ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે રાજ્યમાં વિવિધ પક્ષોની અનેક પ્રચાર સભાઓ યોજાશે. પ્રથમ તબક્કામાં 73 સીટ માટે 11 ફ્રેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી યુપીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે વિવિધ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં ‍આવી રહ્યો છે. જે આજે સાંજના પાંચ વાગ્યા બાદ બંધ થઈ જશે. પશ્ચિમ યુપીમાં 26 ટકા મુસ્લિમ મતદારો છે તેથી તેને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં તમામ પાર્ટીઓએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળ‍વી છે. યુપીમાં આ વખતે ભાજપ વિકાસના મુદ્દા સાથે પ્રચાર કરી રહ્યો છે ત્યારે સપા અને કોંગ્રેસ ગઠબંધન કરી યુવા નેતૃત્વના મુદ્દાને આગળ ધરી પ્રચાર કરી રહ્યાં છે જ્યારે બસપા પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે આજે પ્રચારના આખરી દિવસે ભાજપ, સપા-કોંગ્રેસ અને બસપા તરફથી અનેક સભાઓ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગૃહપ્રધાન રાજનાથસિંંહ આજે મથુરા, હાથરસ અને ગૌતમ બુદ્ધનગરમાં સભાને સંબોધશે. આ ઉપરાંત ઉમા ભારતી આજે આગ્રા, મેનપુરી, ફરુખાબાદમાં સભા સંબોધશે. જ્યારે અખિલેશ યાદવ આજે ટુંડલા, ફિરોઝાબાદ અને છાતામાં રેલીને સંબોધશે. જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અલીગઢમાં યોગી આદિત્યનાથ શાહજહાંપુર અને જલાલાબાદમાં સભાને સંબોધશે.

મુસ્લિમ વિસ્તારમાં તોફાનની અસર
ત્રણ વર્ષ પહેલાં થયેલા કોમી રમખાણની અસર ભોગવી ચૂકેલા મુઝફ્ફરનગર અને શામલીમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી હતી ત્યારે આ વખતે તેની કેવી અસર પડે છે તે જોવાનું રહ્યું. જોકે ભાજપ 2014માં તેને મળેલી સફળતા ટકાવી રાખવા હાલ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ સપા અને કોંગ્રેસ તેમજ બસપા પણ તેની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે આ વિસ્તારમાં તેની કેવી અસર પડે છે?
http://sambhaavnews.com/

You might also like