થલતેજની કેમ્બે હોટલમાંથી બુકીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી કેમ્બે હોટલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મુંબઈના બુકીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છ મહિનાથી હોટલમાં રહી અને મોબાઈલમાં બેટ ફેર એપ્લિકેશન દ્વારા અલગ અલગ મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે મોબાઇલ ફોન ટીવી સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ જે.પી.રોજિયાને બાતમી મળી હતી કે એસ.જી હાઇવે પર આવેલી કેમ્બે હોટલમાં એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે પી.એસ.આઈ રોજિયા અને તેમની ટીમે રૂમ નંબર. 409માં દરોડો પાડી અને રીતેશ સુરેશભાઈ પટ્ટ (ઉ.વ.40, રહે.શુભાશિષ બિલ્ડિંગ, સુભાષ રોડ, વિલે પાર્લે, મુંબઈ) ને ઝડપી લીધો હતો. આરોપી રીતેશ તામિલનાડુમાં રમાતી મેચ પર મોબાઈલમાં બેટ ફેર એપ્લિકેશન દ્વારા હાર જીત પર સટ્ટો રમાડતો હતો. પોલીસે પૂછપરછ કરતાં રીતેશ છેલ્લા છ મહિનાથી આ હોટેલમાં રૂમ ભાડે રાખી અને રહેતો હતો તેમજ બેટ ફેર એપ્લિકેશન દ્વારા અલગ અલગ મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે મોબાઇલ ફોન, ટીવી, સેટટોપ બોક્સ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. આરોપી આ બેટિંગ સટ્ટો કોને ત્યાં કપાવતો હતો અને કોને લખાવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

You might also like