મુંબઈથી અબ્બાસ બોલું છું કહી ૩૦ લાખની ખંડણી માગનાર ઝડપાયો

અમદાવાદ: ‘મુંબઇથી અબ્બાસ બોલું છું’ કહી દાણીલીમડા વિસ્તારમાં રહેતા તમાકુના વેપારી પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માગવા મામલે દાણીલીમડા પોલીસે વેપારીની ફેકટરીમાં કામ કરતા પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે. આરોપી યુવકે એક મહિના અગાઉ ફેકટરીના કર્મચારી સાથે ઝઘડો કરતાં વેપારીએ આરોપીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.જેનું મનદુઃખ રાખી અને પૈસાની જરૂર હોવાથી તેને ખંડણી માગી અને બીજા દિવસે ફેકટરીના કમ્પાઉન્ડમાં ત્રણ જીવતાં કારતૂસ નાખી ફરાર થઈ ગયો હતો.પોલીસે હાલ તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

28 માર્ચના રોજ રાત નવ વાગ્યાની આસપાસ દાણીલીમડાની ચિરાગપાર્ક સોસાયટીમાં રહેતા અને તમાકુનો હોલસેલ વેપાર કરતા અહેમદહુસેન સમસુદ્દીન શેખના મોબાઇલ પર ફોન આવ્યો હતો.ફોન કરનારે પોતાનું નામ અબ્બાસ હોવાનું જણાવીને કહ્યું હતું કે બે માણસોને છોડાવવાના છે, ૩૦ લાખ રૂપિયા મોકલી આપો. અહેમદહુસેને રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં અબ્બાસખાને ફોન પર ધમકી આપતાં જણાવ્યું હતું કે તમારાં છોકરાં ક્યાં ભણે છે, તમાકુનું ગોડાઉન ક્યાં છે અને નાગપુર જાન જવાની છે તેની મને ખબર છે. રૂપિયા નહીં આપો તો પરિણામ ભોગવવું પડશે.મુંબઇથી આવેલા અબ્બાસ નામની વ્યકિતના ફોનથી ગભરાઇને અહેમદહુસેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 30 લાખ રૂપિયાની ખંડણી માગવાના મુદ્દે ફરિયાદ કરી હતી,.

દાણીલીમડા પોલીસે તપાસ કરતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશનું સીમકાર્ડ નીકળ્યું હતું અને ફોન નંબર તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી મહંમદ નાવેદ મહંમદ આગોશ ખલિફા (ઉ.વ.ર૧)(રહે.આમના ફ્લેટ, દાણીલીમડા)ની ધરપકડ કરી હતી.આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહંમદ નાવેદ છેલ્લાં પાંચ વર્ષથી અહેમદહુસેનના ત્યાં કામ કરતો હતો. પોતાને પૈસાની જરૂરિયાત હતી જેથી પોતાના શેઠની તમામ માહિતી હોઈ તેને પોતાના વતનથી સીમકાર્ડ અને ત્રણ જીવતાં કારતૂસ અમદાવાદ લાવી અને રૂ.૩૦ લાખની ખંડણી માંગી હતી.ખંડણી માગ્યા બાદ બીજા દિવસે ફેકટરીના કમ્પાઉન્ડમાં ત્રણ જીવતાં કારતૂસ નાખી ફરાર થઈ ગયો હતો.

‘કે’ ડિવિઝન એસીપી ચિંતન તરૈયાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપીને એક મહિના અગાઉ ફેકટરીના કર્મચારી સાથે ઝઘડો કરતાં નોકરીમાંથી કાઢી મુક્યો હતો.જેનું મનદુઃખ રાખી અને પૈસાની જરૂર હોવાથી તેને ખંડણી માગી અને કારતૂસ ફેકટરીમાં નાખી પોલીસ કેસમાં ફસાવવા આ ગુનો આચર્યો હતો. ઉત્તર પ્રદેશથી તે આ કારતૂસ ખરીદીને લાવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like