અમેરિકાની FBIને પણ દોડતી કરનાર અા છે સાગર અને રીમા

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કર અને રીમા ઠક્કર એફબીઆઇ ( ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના રડારમાં આવી ગયાં છે. અમેરિકાથી એબીઆઇના સાત અધિકારીઓની ટીમ આજે થાણે ક્રાઇમ બ્રાંચમાં સાગર ઠક્કર એન્ડ કંપનીએ કરેલા કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરવા માટે આવી રહી છે. વિદેશી નાગરિકોને ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપીને કરોડો રુપિયાની ખંડણી માંગવામાં અમેરિકામાં એક વિદેશી નાગરિકનું મોત થયું હતું. જેની ગંભીરતાને લઇને એફબીઆઇની ટીમ મુંબઇમાં ધામા નાખ્યા છે. સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર વિદેશી પાસેથી ઠગાઇ કરીને એક હજાર કરોડ રૂપિયાનો આસામી બની ગયો છે. ત્યારે થાણે ક્રાઈમ બ્રાન્ચ પાસે સાગર અને રીમા ઠક્કરની તસવીરો અાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે થાણે ક્રાઈમ બ્રાન્ચે પાંચ કરતા વધુ અાંગણિયા પેઢીના કર્મચારીઅોને હવાલાના ટ્રાન્જેક્શન મામલે અટકાયત કરીને પૂછપરછ કરી છે. અા તમામ અાંગણિયા પેઢીની અોફિસો અમદાવાદમાં પણ અાવેલી છે.

અમદાવાદના ગુજરાત કોલેજ પાસેની એક બિલ્ડિંગથી વિદેશીઓની ઠગાઇ કરીને કરોડો રૂપિયાની કમાણી શરૂ કરનાર સાગર અને તેની બહેન રીમા ઠક્કર થાણે ક્રાઇમ બ્રાંચની ધરપકડથી બચવા માટે દુબઇ નાસી છૂટ્યા હોવાની અાશંકા છે ત્યારે હવે થાણે ક્રાઇમ બ્રાંચ જ નહીં પરંતુ અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ તેમને શોધી રહી છે. એફબીઆઇના 7 અધિકારીની ટીમ આજે થાણે ક્રાઇમ બ્રાંચમાં સાગર ઠક્કર એન્ડ કંપનીએ કરેલા ઠગાઇ કેસની તાપાસ માટે આવી રહી છે.

ઉલ્લેખનીય છેકે સાગર ઠક્કરે શરૂઆતમાં પેઇડ લોન લેન્ડિંગ અને પેઇડ લોન કલેકશન મુદ્દે વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા હતા. વિદેશમાં બેઠેલા એજન્ટ મારફતે વિદેશીઓ કેટલી લોન બાકી છે તેની વિગતો સરકારી વેબસાઇટ પરથી હેક કરીને સાગર ઠક્કરને મોકલતો હતો. ડેટાના આધારે કર્મચારી વિદેશી નાગરિકોને કોલ કરતો હતો અને તમારે લોન માટે ક્વોલિફાઇડ થયા છે જેમાં તમારે જૂની લોન બાકી છે તે પેઇડ કરી દો તો નવી લોન મળશે તેવું કહીને વિદેશી નાગરિકો પાસેથી ગ્રીન ડ્રોપ મની પેક ખરીદાવતા હતા. મની પેકમાં રહેલા કોડ વિદેશી નાગરિકો પાસેથી લઇને રૂપિયા ઉપાડી લેતા હતા.

સાગર ઠકકરને આ સ્કીમમાં માત્ર 500 થી 1000 ડોલર જ મળતા હતા. જેથી તેને આઇઆરએસ (ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ) ના અધિકારીઓના નામે કોલ કરતા અને કહેતા તમારે ટેક્સ ચોરી કરી છે નહીં ભરો તો જેલ થશે ડિસ્કાઉન્ટ ચાલે છે તેમ કહીને ઠગાઇ કરતા આઇઆરએસના નામે સાગરને એક નાગરિક દીઠ લાખ થી 5 લાખ ડોલર મળતા હતા જેથી તેને આઇઆરએસની સ્કીમ શરૂ કરી હતી.

આ સ્કીમમાં લાખો રૂપિયા ગુમવાનાર વિદેશી નાગરિકનું આધાત લાગતાં તેમનું મોત થયું હતું. આ કેસમાં અમેરિકા પોલીસે મુંબઇ પોલીસની મદદ માગી હતી. જેમાં કેસની તમામ વિગતો આપવાની બાંયેઘરી થાણે કમિશનરે આપી હતી. થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ 1 ના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરે જણાવ્યું છેકે સાગર ઠક્કર એન્ડ કંપનીએ કરેલા કરોડો રુપિયાની છેતરપીંડી મામલે એફબીઆઇની ટીમ થાણે ક્રાઇમ બ્રાંચની કચેરીમાં આવશે.

4 વર્ષમાં વિદેશીઓની ઠગાઇ કરતાં સાગર ઠકકર અને તની બહેન રીમા એક હજાર કરોડ રૂપિયાની આસામી બની ગયા છે. થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે સાગર ઠકકરે તેની 21 વર્ષિય પ્રેમિકાને જન્મ દિવસ પર અઢી કરોડની આેડી આર 8 કાર ભેટમાં આપી હતી. અમદાવાદમાં આર 8 આેડી ખરીદનાર સાગર પહેલો હતો. હાલ થાણે ક્રાઇમ બ્રાંચ આેડી કારનો કબજો મેળવવા માટે શોધી રહી છે. આવનારા દિવસમાં એફબીઆઇની ટીમ સાગર ઠક્કર અને રીમા ઠક્કરની ધરપકડ કરે તેવી શક્યતાઓ છે.

You might also like