કોલ સેન્ટર રેકેટમાં થાણે ક્રાઈમ બ્રાંચે કરોડોનો તોડ કર્યો

અમદાવાદ: મુંબઇના થાણે વિસ્તારમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના કૌભાંડની તપાસ કરતી થાણે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં આવી કોલ સેન્ટરના કૌભાંડમાં આરોપી ન બનાવવા તેમજ અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવતા હતા અથવા તો ઝડપાયા છે તેઓનાં આ મુંબઇના કૌભાંડમાં નામ ન ખોલવા કરોડો રૂપિયા વસૂલ્યા હોવાની ચર્ચા ગુજરાત પોલીસમાં જાગી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે આરોપીઓને તાજેતરના કોલ સેન્ટર કૌભાંડમાં ઝડપ્યા છે તે તેમજ ભૂતકાળમાં અમદાવાદ અને ગુજરાત પોલીસે જે કોલ સેન્ટર ઝડપ્યાં છે તેના આરોપીઓનાં નામ થાણે ક્રાઇમ બ્રાંચે અમદાવાદ પોલીસ પાસે માગ્યાં હતાં. થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કૌભાંડીઓની તપાસ માટે અમદાવાદ આવતી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ થાણે પોલીસ અમદાવાદની ફાઇવસ્ટાર હોટલોમાં રોકાતી હતી. ભૂતકાળના આરોપીઓ અને હાલમાં ઝડપાયેલા આરોપીઓનાં મુંબઇમાં કૌભાંડમાં નામ ન ખોલવા માટે ૧પ થી ર૦ કરોડ રૂ‌િપયા અમદાવાદમાંથી જ વસૂલ્યા હોવાનું ચર્ચા ઊઠી છે. આ અંગે ગુજરાત પોલીસના અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. થાણે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં આવી કરોડો રૂપિયા વસૂલી જતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઉપર પણ સવાલો ઊભા થયા છે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ અામાંથી થોડો હિસ્સો કાઢી લીધો છે.

અમદાવાદના હાર્દિક શાહે થાણે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. અભિજીત પર આરોપ મૂક્યો છે કે પી.એસ.આઇ.એ થાણે કોલ સેન્ટર કૌભાંડમાં તેનું નામ ન ખોલવાના રૂ.૭પ લાખથી ૧ કરોડ માગ્યા હતા. નવી નોટમાં આપે તો ૭પ લાખ અને જૂની નોટમાં આપે તો ૧ કરોડ માગ્યા હોવાનું જણાવ્યું છે. હાર્દિક શાહે આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. પી.એસ.આઇ.એ ઘણી વખત ફોન કરીને પૈસાની માગ કરી છે. આરોપી ન બતાવવા પૈસા માગ્યા હતા. જોકે હાલ પી.એસ.આઇ. અભિજીતની બદલી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like