કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ સાગર સામે રેડ કોર્નર નોટિસ જારી થશે

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠાકર વિરુદ્ધમાં સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વસ્ટિગેશન) રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે. એક હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર સાગર અને તેની બહેન રીમા વિદેશમાં ફરાર થઇ ગયાં હતાં. અમેરિકાની એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વસ્ટિગેશન) પણ સાગરને શોધી રહી છે. થાણે ક્રાઇમ બ્રાંચે સાગર લુકઆઉટ નોટિસ જારી કરી દીધી છે.

અમદાવાદના ગુજરાત કોલેજ પાસે કોલ સેન્ટર શરૂ કરી અમેરિકાના નાગરિકોને ખંખેરવાનું શરૂ કરનાર સાગર અને રીમા યુકેમાં છુપાયાં છે જેથી તેમને પકડવા માટે થાણે ક્રાઇમ બ્રાંચે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવા માટેની મુંબઇ સીઆઇડી ક્રાઇમને લેખિતમાં રજુઆત કરી હતી. મુંબઇ સીઆઇડી ક્રાઇમે દિલ્હી સીબીઆઇને સાગર વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવામાં તમામ દસ્તાવેજી પુરાવા મોકલી આપ્યા હતા.

થાણે ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરે જણાવ્યું છે કે થોડાક દિવસોમાં સાગર વિરુદ્ધમાં રેડકોર્નર નોટિસ ઇશ્યૂ થશે. રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ થયા પછી સાગર વિદેશમાં કોઇપણ જગ્યાએ છુપાયો હશે તેની ધરપકડ કરવી આસાન બની જશે. જોકે ભારતની જે દેશ સાથે ટ્રીટી થઇ હશે તે દેશ સાગરની ધરપકડ કરી શકશે.
http://sambhaavnews.com/

You might also like