સાગરની જેમ દસ કોલ સેન્ટરના સંચાલક કરોડપતિ બની ગયા

અમદાવાદ: કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગ‌િરકો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઊઘરાવવાના કૌભાંડમાં સાગર ઉર્ફે શેગી ઠક્કરના હરીફોની પણ થાણે ક્રાઇમ બ્રાંચ પૂછપરછ કરશે. અમદાવાદના પોશ વિસ્તારમાં મોડી રાતે વિદેશી નાગ‌િરકોને છેતરવાનાં અનેક કોલ સેન્ટર ધમધમી રહ્યાં છે. આ કોલ સેન્ટરના સંચાલકો પૈકી કેટલાક સંચાલકો સાગર ઠક્કરના સીધા સંપર્કમાં હોવાની વિગતો થાણે ક્રાઇમ બ્રાંચને મળતાં 10 કરતાં વધુ સંચાલકોની પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટરના સંચાલકો વિદેશીઓની ઠગાઇ કરવાના કૌભાંડમાં કરોડપ‌િત બની ગયા છે. સૂત્રોનું માનીએ તો ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના રેકેટની તપાસમાં ઇડી (ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) પણ માટે ઝંપલાવે તેવી શક્યતાઓ છે.

થાણે ક્રાઇમ બ્રાંચ અને એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ની ટીમે સાગર ઠક્કર અને રીમા ઠક્કર વિરુદ્ધમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે બન્ને વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ પણ જારી કરી દીધી છે. બન્ને આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે તથા આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવા માટે થાણે ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદના પોશ વિસ્તારોમાં ચલાવાતાં કોલ સેન્ટરના સંચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આવનારા દિવસોમાં થાણે ક્રાઇમ બ્રાંચની ટીમ તમામ સંચાલકોની પપૂછપરછ કરે તેવી શક્યતા છે.

થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ-1ના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં વિદેશી નાગ‌િરકો સાથે ઠગાઇ કરવાનાં અનેક કોલ સેન્ટર ધમધમી રહ્યાં છે, જેમાં 10 કરતાં વધુ સંચાલકોના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે પૈકી કેટલાક સંચાલકો સાગર ઠક્કરના સીધા સંપર્કમાં હોય તેવું જાણવા મળ્યું છે. થોડાક દિવસોમાં તમામ સંચાલકોની પૂછપરછ થશે. અમદાવાદમાં સાગર ઠક્કર સિવાય પણ સૌથી મોટા કોલ સેન્ટરનું રેકેટ નિહિલ જયસ્વાલ, રાહુલ ડોગરા, વિકી ડોગરા, વિશાલ પંડ્યા, સેંડી, નીરજ રાયચોરિયા, નાગરાણી સહિત 10 સંચાલકો ચલાવતા હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિશાલ પંડ્યા સાગર ઠક્કરનો ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. તમામ સંચાલકો 20 થી 30 વર્ષની ઉમરના યુવાનો હોવાનું પણ થાણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ ખૂલ્યું છે. છેલ્લાં 4 થી 5 વર્ષમાં આ તમામ યુવકોએ શહેરના પોશ વિસ્તારમાં કોલ સેન્ટર શરૂ કર્યાં અને રાતોરાત કરોડપ‌િત બની ગયા છે. મોંઘીદાટ ગાડીઓમાં ફરવું તથા હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ તેમના શોખ થઇ ગયા છે. તમામ સંચાલકોના હાથ નીચે 100 થી 150 જટેલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાના આ કૌભાંડનો રેલો શહેરની આંગ‌િડયા પેઢીઓ પર આવ્યો છે. થાણે ક્રાઇમ બ્રાંચે 4 આંગ‌િડયા પેઢીના કર્મચારીઓની અટકાયત કરી છે, જેમાં 2 કરોડ રૂપિયાનાં ટ્રાન્જેક્શન થયાં. સૂત્રોનું માનીએ તો કોલ સેન્ટરના રેકેટમાં ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડ પણ સક્રિય છે, જેને લઇને કેન્દ્રીય એજન્સી ઇડી પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે.

You might also like