કોલ સેન્ટરની જાળમાં ફસાયેલા વિદેશી નાગરિકોનાં નાણાં ટ્રાન્સફર કરતો યુવાન ઝડપાયો

અમદાવાદ: ગેરકાયદે કોલ સેન્ટર દ્વારા લોન ભરપાઈ કરવાના બહાને વિદેશી નાગરિકોને કોલ કરી પૈસા પડાવવામાં આવે છે. વિદેશી નાગરિકોને તેમના નામના બનાવટી ચેકો બતાવી મોબાઈલ એપ્લિકેશનથી પૈસા ભરપાઈ કરી દીધા હોવાનું બતાવી છેતરપિંડી આચરતા શખસની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. આ વ્યક્તિ કોલ સેન્ટરના માલિકોને વિદેશથી આવતા પૈસા ટ્રાન્સફર કરી આપતો હતો.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એમ જાડેજાને બાતમી મળી હતી કે વિજય ચાર રસ્તા પાસે આવેલા વિજય ફ્લેટમાં રહેતો કેતન ગઠિયા (ઉ.વ.30) કોલ સેન્ટરના માલિકોને વિદેશી નાગરિકોના પૈસાને ટ્રાન્સફર ફરી આપે છે. જેના આધારે પી.એસ.આઈ. બી.કે. ગોસ્વામી અને ટીમે વહેલી સવારે કેતનના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસને ઘરમાંથી એક લેપટોપ,કલર પ્રિન્ટર અને ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસને લેપટોપ માંથી અલગ અલગ વિદેશી બેન્કોના ચેક મળી આવ્યા હતા.

પોલીસે કેતનની પૂછપરછ કરતાં પોતે કોલ સેન્ટરનો પ્રોસેસર હોવાનું જણાવ્યું હતું. અલગ અલગ વિદેશી બેન્કોના નામના બનાવટી ચેકોની કલર પ્રિન્ટ આઉટ કાઢતો હતો. આ બનાવટી ચેકમાં ખોટી વિગત અને રકમ ભરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ ખાતા ધારકના ખાતામાં ભરી દેતો હતો પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like