મહાદેવનગર વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટરમાં દરોડોઃ પાંચની ધરપકડ

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે ચાલતાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે કૌભાંડીઓએ મકાનમાં નાનાં નાનાં કોલ સેન્ટર શરૂ કરી દીધાં છે. ચાર-પાંચ વ્યક્તિની ટુકડી બનાવીને મકાન તેમજ કારમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગ‌િરકોને છેતરી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવું જ એક કોલ સેન્ટર મોડી રાતે મહાદેવનગર વિસ્તારમાં આવેલ એક ટેનામેન્ટમાંથી ઝડપાયું છે. લોન અપાવવાના બહાને વિદેશી નાગ‌િરકોને છેતરતા પાંચ યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી છે.

રામોલ પોલીસને બાતમી મળી હતી કે મહાદેવનગર વિસ્તારમાં આવેલ હર ભોળાનાથપાર્કના બંગલા નંબર-૭માં વિદેશી નાગ‌િરકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બાતમીના આધારે ગઇ કાલે મોડી રાતે પોલીસે ટેનામેન્ટમાં દરોડા પાડ્યા હતા, જેમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સની ધરપકડ કરી હતી.

કોલ સેન્ટર કૌભાંડમાં રામોલ પોલીસે ૨૦થી ૨૬ વર્ષીય યુવાનો-મયૂર રાજુભાઇ પટેલ (રહે. ગ્રીષ્મા એપાર્ટમેન્ટ, નિકોલ), જય રમેશભાઇ પટેલ (રહે. હર ભોળાનાથપાર્ક સોસાયટી, મહાદેવનગર), સંજય ખેમાભાઇ પટેલ (રહે. હર ભોળાનાથપાર્ક સોસાયટી, મહાદેવનગર), પ્રકાશ અતુલભાઇ વાઘેલા (રહે. અમીકુંજ સોસાયટી, ઓઢવ) અને મોન્ટુ હિતેશભાઇ પટેલ (રહે. સુર‌િભપાર્ક, વસ્ત્રાલરોડ)ની ધરપકડ કરી છે.

પોલીસે પાંચેય યુવકોની પૂછપરછ કરતાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વિદેશી નાગ‌િરકોને લોન અપાવવાની લાલચ આપવા માટે ૧૦૦થી ૧પ૦ ડોલરનું આઇ ટ્યૂન કાર્ડ ખરીદવાનું કહેતા હતા. આ કાર્ડની ખરીદી બાદ તે કાર્ડનો નંબર એજન્ટને આપતા હતા, જેના એજન્ટ કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા લઇ લેતો હતો. પોલીસ બે લેપટોપ, વિદેશી નાગ‌િરકોને છેતરવા માટે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ કબજે કરી છે.

પોલીસસૂત્રોનું માનવું છે કે ધરપકડ કરાયેલા પાંચેય યુવકો કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા નામચીન માસ્ટર માઇન્ડ યુવકો સાથે સંકળાયેલા છે. કોલ સેન્ટરમાં કેટલા વિદેશી નાગ‌િરકો ચી‌િટંગનો ભોગ બન્યા છે તેમજ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હતું અને અન્ય કેટલી વ્યક્તિઓ સંડોવાયેલ છે તે મુદ્દે તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બાપુનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં પોલીસે દરોડા પાડીને કોલ સેન્ટર પકડ્યું હતું, જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વેજલપુર વિસ્તારમાંથી પોલીસે વિવિધ સમયે બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડી પાડ્યું હતું, જેમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વટવામાં પણ ચારેક મહિના પહેલાં પોલીસે દરોડા પાડીને કોલ સેન્ટર પકડ્યું હતું, જેમાં પણ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે પણ વટવા વિસ્તારમાંથી પણ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડ્યું હતું.

ગત વર્ષે શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો હતો.  શોપિંગ સેન્ટર, મોલ અને હાઇરાઇઝ ‌િબ‌િલ્ડંગમાં એકસાથે ૩૦થી ૪૦ યુવક અને યુવતીઓ યુએસ નાગ‌િરકો સાથે ઠગાઇ કરવાનું કોલ સેન્ટર ચલાવતાં હતાં. કરોડો રૂપિયાની ધીકતી કમાણી કરવાના આ કૌભાંડનો પર્દાફાશ થાણે ક્રાઇમ બ્રાંચે મુંબઇમાં કર્યો હતો, જેમાં કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ અને અમદાવાદના રહેવાસી સાગર ઠાકરનું નામ ખૂલ્યું હતું.

થાણે ક્રાઇમ બ્રાંચની તપાસ બાદ અમદાવાદ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તમામ કોલ સેન્ટર બંધ કરાવી દીધાં હતાં. કોલ સેન્ટર બંધ થતાં લોકોએ રાજસ્થાન અને વિવિધ જગ્યાએ કોલ સેન્ટર શરૂ કરી દીધાં હતાં ત્યારે કેટલાક લોકોએ નાની-નાની ટીમ બનાવીને મકાનોમાં કોલ સેન્ટર શરૂ કરી દીધાં હતાં. હાલ શહેરમાં નાનાં નાનાં કોલ સેન્ટર ચાલી રહ્યાં છે.

You might also like