કોલ સેન્ટર કૌભાંડઃ શહેરની અાંગડિયા પેઢીઅો પણ રડારમાં

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કરના એક પછી એક નવા ચહેરા સામે આવી રહ્યા છે. કોલ સેન્ટરના રેકેટમાં સાગર ઠક્કરે પોતાના સ્કૂલના વિશ્વાસુ મિત્રોની ફોજ ઊભી કરી હતી. પોતાની લકઝુરિયસ લાઇફ સ્ટાઇલ અને મોંધીદાટ કારમાં ફેરવી તથા 5 સ્ટાર હોટલમાં પાર્ટી આપીને સાગર ઠક્કરે પોતાના સ્કૂલના મિત્રોને આકર્ષિત કર્યા હતા અને વધારે રૂપિયા કમાવવાની લાલચ આપીને કોલ સેન્ટરના રેકેટમાં સામેલ કર્યા હતા. અમદાવાદથી શરૂ કરેલા કોલ સેન્ટરના કારોબારમાં સાગર ઠક્કર અને રીમા ઠક્કર દર મહિને કર્મચારીઓને પગાર ચૂકવવા માટે 5 સ્ટાર હોટલમાં બોલાવતાં હતાં. ત્યારે કરોડો રૂપિયાનું ટ્રાન્જેકશન કરનાર મુંબઇ તથા અમદાવાદની એક ડઝન કરતાં વધુ આંગડિયા પેઢીઓ પણ થાણે ક્રાઇમ બ્રાંચની રડારમાં આવી ગઇ છે.

રોજની એક કરોડ રૂપિયાની ધીકતી કમાણી કરતાં આ કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગીઠક્કરની વાત કરીએ તો તેનો જન્મ મુંબઇની વસઇમાં થયો. ધોરણ 6 સુધી મુંબઇની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સાગર તેના પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયાે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદેશ્વર એપાર્ટમેન્ટના એક રૂમ રસોડાના મકાનમાં રહેતો સાગર તેની બહેન રીમા અને માતા પિતા સાથે રહેવા લાગ્યો. ત્રણેક વર્ષ પહેલાં વિદેશી નાગરિકોને ઠગાઇ કરવા માટેની એક ફોર્મ્યુલા તેને મળી ગઇ અને તેણે મેજિક બોક્સ ઉપકરણની મદદથી કોલ સેન્ટર શરૂ કર્યું. એક જ મહિનામાં તેને લાખો રૂપિયાની કમાણી થઇ અઢી વર્ષ પહેલાં એક કોલ સેન્ટરથી શરૂ કરનાર સાગર ઠક્કર 25 કરતાં વધુ કોલ સેન્ટરો શરૂ કર્યાં હતાં. મુંબઇમાં તેણે થોડાક મહિના પહેલાં જ કોલ સેન્ટર શરૂ કર્યું હતું.

થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ-વનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરે જણાવ્યું હતું કે સાગર ઠક્કરના મિત્ર અવિનાશની નાલાસોપારાથી ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં ખૂલ્યું હતું કે સાગર ઠક્કરે આ રેકેટમાં તેના વિશ્વાસુ મિત્રોને સામેલ કર્યા હતા. દોઢ વર્ષ પહેલાં અવિનાશને ફોન કર્યો હતો અને કોલ સેન્ટર શરૂ કર્યું હોવાનું કહ્યું હતું. અવિનાશ દર મહિને દસ હજાર રૂપિયા કમાતો હતો. જેથી સાગરે તેને લાખો રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી. અવિનાશ ફ્લાઇટથી અમદાવાદ આવ્યો ત્યારે તેને પિકઅપ કરવા માટે મર્સિડીઝ કાર ઊભી હતી. કારમાં બેસીને અવિનાશ 5 સ્ટાર હોટલમાં ગયો. જ્યાં તેનો રૂમ સાગરે બુક કરાવ્યો હતો. અવિનાશને મળી રહેલી વીવીઆઇપી ટ્રીટમેન્ટથી તે આકર્ષાયો હતો અને તેને કોલ સેન્ટરમાં કામ કરવાની સાગરને હા પાડી દીધી હતી.

આવી જ રીતે નાલાસોપારામાં રહેતા વિકી અને વિજય નામના સગા ભાઇઓને કોલ સેન્ટરમાં કામ કરવા માટે તૈયાર કર્યા હતા. સ્કૂલના 50 કરતા વધુ મિત્રોને લકઝુરિયસ લાઇફ સ્ટાઇલનાં સ્વપ્નાં બતાવીને અમદાવાદ અને મુંબઇમાં 25 કરતાં વધુ કોલ સેન્ટરો શરૂ કર્યાં હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું છે. વિજય અને વિકીની કામગીરીથી ખુશ થઇને સાગરે પ્રહલાદ નગર ખાતે આવેલા પિનેકલ બિઝનેસ પાર્કમાં ચાલતા 5 કોલ સેન્ટરના હેડ બનાવ્યાં હતાં. હાલ બન્ને ભાઇઓ વોન્ટેડ છે.

અવિનાશે થાણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છેકે સાગર અને રીમા સમગ્ર રેકેટને ઓપરેટ કરે છે તે ક્યાં રહે છે તે કોઇને નથી ખબર પરંતુ 1 થી 5 તારીખ સુધીમાં તેઓ ફ્લાઇટમાં અમદાવાદ અને મુંબઇ આવી જતાં હતાં અને 5 સ્ટાર હોટલમાં રોકાતાં હતાં. જ્યાં તમામ કર્મચારીઓને પગાર લેવા માટે બોલાવતા અને રોકડમાં પગાર આપ્યા બાદ તેઓ નીકળી જતાં હતાં. સાગર ઠક્કર કોણ છે તેની જાણકારી તેના મિત્રો સિવાય કોલ સેન્ટરમાં કર્મચારીઓને પણ ખબર નથી.

આ રેકેટમાં રીમા ઠક્કર રૂપિયાનું ટ્રાન્જેકશન સંભળાતી હોવાનું સામે આવ્યુંં છે. વિદેશમાંથી કરોડો રૂપિયા હવાલા મારફતે આવતા રીમા ઠક્કર આંગડિયા પેઢી મારફતે રૂપિયાનાં ટ્રાન્જેકશન કરતી હતી. સાગર ઠક્કરની ધરપકડ બાદ મુંબઇ અને અમદાવાદમાં ડઝન કરતાં વધુ આંગડિયા પેઢીની સંડોવણી આવે તેવી શક્યતાઓ છે.

You might also like