અમેરિકાના નાગરિકોને ખંખેરતું વધુ એક કોલ સેન્ટર પકડાયું

અમદાવાદ: મુંબઇના થાણે વિસ્તારમાં થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય ગુજરાત કનેકશન બહાર આવતાં શહેરમાં ચાલતાં તમામ કોલ સેન્ટર બંધ થઇ ગયાં હતાં, પરંતુ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત-ગાંધીનગર હાઇવે પર આવેલા એક મોલમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર અંગેની બાતમી ડીસીપી ઝોન-રને મળતાં ગત મોડી રાત્રે પોલીસે દરોડાે પાડી મુખ્ય સૂત્રધાર સહિત નવ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ઝોન-ર ડીસીપી ઉષા રાડાને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં વિસત-ગાંધીનગર હાઇવે પર આવેલા ૪-ડી સ્કવેર મોલના ત્રીજા માળે એક ઓફિસમાં અમેરિકાના લોકોને ફોન કરી ધમકાવી પૈસા પડાવવાનું કોલ સેન્ટર ધમધમી રહ્યું છે. જેના આધારે તેમની સ્કવોડે સ્થાનિક ચાંદખેડા પોલીસને જરા પણ ગંધ ન આવે તે રીતે ખાનગી રીતે દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડતાં કોલ સેન્ટરમાં નવ લોકો મળી આવ્યા હતા.

ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ પાછળ આવેલા પરમેશ્વર પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતેશભાઇ શંકરભાઇ જોશી નામનો યુવક ભાડે ઓફિસ રાખીને આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપીઓ અમેરિકામાં એજન્ટ દ્વારા અમેરિકાની અંદર જે પણ લોન ડિફોલ્ટર છે તેઓની માહિતી મેળવીને બાદમાં તે ડેટા દ્વારા લોકોને ફોન કરીને ધમકાવી પૈસા પડાવતા હતા. આ પૈસા તેઓ હવાલા મારફતે મેળવતા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે મહિનાથી આ કોલ સેન્ટર ધમધમી રહ્યું હતું. આ કોલ સેન્ટરમાં કોઇ પણ ગુજરાતી યુવકને નોકરીએ રાખવામાં આવ્યા નહોતા. અન્ય રાજ્યોનાં યુવકો અને એક યુવતી કોલ સેન્ટરમાં નોકરી કરતાં હતાં. પોલીસે ઓફિસમાંથી અલગ અલગ કમ્પ્યૂટર, સીપીયુ વગેરે કબજે લીધાં છે. ચાંદખેડા પોલીસની રહેમ નજર હેઠળ અા કોલ સેન્ટર ચાલતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ડીસીપી સ્કવોડ દ્વારા ખાનગી રાહે આ કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસને આ અંગે કોઇ પણ પ્રકારની જાણકારી અપાઇ નહોતી. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં ઝડપાયેેલા કોલ સેન્ટરનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હતો. જેમાં અમદાવાદના કેટલાક યુવક સામેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કોલ સેન્ટરમાં સાગર ઠક્કરનું કોઇ કનેકશન છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે. આ કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર પ્રીતેશ શંકરભાઇ જોશી છે.

You might also like