કોલ સેન્ટર રેકેટનો ‘કિંગપિન’ સાગર ઠાકર અાખરે ઝડપાયો

અમદાવાદ: દેશમાં ખળભળાટ મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટના કિંગ સાગર ઠાકર ઉર્ફે શેગીની થાણે ક્રાઇમ બ્રાંચે મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સાગર વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ થયા બાદ દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. અમદાવાદથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરની શરૂઆત કરીને રોજની એક કરોડ રૂપિયાની ધીકતી કમાણી કરનાર સાગર ઠાકર તેની બહેન રીમા ઠાકર સાથે વિદેશ પલાયન થઇ ગયો હતો. એક મહિના પહેલાં તે દુબઈ અાવ્યો હતો. આજે વહેલી સવારે સાગર ઠાકર દુબઇથી મુંબઇ આવ્યો હતો ત્યારે એરપોર્ટ પર પોલીસે તેની ધરપકડ કરી હતી. સાગરની ધરપકડ બાદ આ રેકેટમાં સંડોવાયેલાં અન્ય મોટાં માથાઓનાં નામ પણ સામે આવે તેમ થાણે ક્રાઇમ બ્રાંચ માની રહી છે.

ઓક્ટોબર-ર૦૧૬માં મુંબઇના મીરાં રોડ પર ચાલતાં કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપીને કરોડો રૂપિયાની કમાણી કરવાનો પર્દાફાશ થયો હતો. મીરાં રોડ પર આવેલા નવ કોલ સેન્ટરમાં થાણે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડીને ૭૦૦ કર્મચારીની અટકાયત કરી હતી. જેમાં ૭૦ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કોલ સેન્ટરના રેકેટનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો સાગર ઠાકર હોવાનું સામે આવ્યું હતું. થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ-૧ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકર અને અન્ય પોલીસકર્મીઓએ ઓક્ટોબર મહિનામાં અમદાવાદના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલ પિનેકલ બિઝનેસ પાર્કમાં સાગરનાં ચાલતાં પાંચ કોલ સેન્ટર પર દરોડા પાડીને ઓફિસ સીલ કરી હતી. ત્યારે આ ટીમે સાગર ઠાકરનાં વસ્ત્રાપુર સ્થિત આવેલા ફલેટમાં પણ દરોડા પાડ્યા હતા.

સાગર ઠાકરનો જન્મ મુંબઇના વસઇમાં થયો હતો. ધો.૬ સુધી મુંબઇની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સાગર તેના પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયાે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદેશ્વર એપાર્ટમેન્ટના એક રૂમ રસોડાના મકાનમાં રહેતો સાગર-તેની બહેન રીમા માતા પિતા સાથે રહેતાં હતાં. ત્રણેક વર્ષ પહેલાં વિદેશી નાગરિકોને ઠગાઇ કરવા માટેની એક ફોર્મ્યુલા તેને મળી ગઇ અને તેણે મેજિક બોક્સ મદદથી કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
કોલ સેન્ટરના રેકેટમાં ફાવટ આવી જતાં તેણે આ રેકેટની માયાજાળ દેશનાં વિવિધ રાજ્યમાં ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. ચાર વર્ષ પહેલાં સામાન્ય નોકરી કરતો સાગર એક હજાર કરોડ કરતાં વધુની સંપત્તિ ધરાવે છે. સાગરે તેની ર૧ વર્ષીય પ્રેમિકાને જન્મદિવસ પર અઢી કરોડની અોડી આર 8 કાર ભેટમાં આપી હતી. જે કાર અમદાવાદમાં ખરીદનાર સાગર પહેલો હતો.

સાગરે પોતાનું નેટવર્ક એ હદે વધારી દીધું કે કોઇ પણ પોલીસકર્મી કોલ સેન્ટર પર દરોડા પાડવા માટે જાય ત્યારે તેને જાણ થઇ જતી હતી. થાણે ક્રાઇમ બ્રાંચની ટીમ અમદાવાદ આવવાની છે તેની જાણ પહેલાંથી સાગરને હતી, જેથી તે તમામ કોલ સેન્ટર બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ રેકેટમાં સાગર બહેનનું પણ ઇન્વોલ્મેન્ટ સામે આવ્યું હતું. સાગરની બહેન હવાલા મારફતે રૂપિયા મગાવતી હોવાનું સામે આવ્યું હતું.

કેસમાં સંડોવાયેલા અને સાગરના મિત્ર અવિનાશે થાણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી હતી કે છે કે સાગર અને રીમા સમગ્ર રેકેટને ઓપરેટ કરે છે તે ક્યાં રહે છે તે કોઇને નથી ખબર પંરતુ 1 થી 5 તારીખ સુધીમાં તેઓ ફ્લાઇટમાં અમદાવાદથી મુંબઇ આવી જાય અને 5 સ્ટાર હોટલમાં રોકાતા હતા. જ્યાં તમામ કર્મચારીઓને પગાર લેવા માટે બોલાવતા અને પગાર આપ્યા બાદ તેઓ નીકળી જતા હતા. ઉલ્લેખનીય છે કે થાણે ક્રાઇમ બ્રાંચની રેડ થઇ તે પહેલાં સાગર અને વિશાલ અમદાવાદમાં બીજાં પાંચ કોલ સેન્ટરની શરૂઆત કરવા જઇ રહ્યા હતા. જેમાં ૩૦૦ કરતાં વધુ કર્મચારીની ભરતી પણ કરી હતી. જેમાં બેંગલુરુ, મુંબઇ, કોલકાતા જેવાં મોટાં શહેરમાંથી યુવક અને યુવતીઓની પંસદગી કરી હતી.

સાગર વિરુદ્ધમાં તપાસ કરવા માટે અમેરિકાથી એફબીઆઇ ( ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ના સાત અધિકારીઓની ટીમ થાણે ક્રાઇમ બ્રાંચમાં આવી હતી. વિદેશી નાગરિકોને ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી માગવામાં અમેરિકામાં એક વિદેશી નાગરિકનું મોત થયું હતું.

મુંબઇ પોલીસ તેમજ એફબીઆઇથી બચવા સાગર યુરોપ, રશિયા, બેંગકોક, દુબઇ જેવા દેશમાં નાસતો ફરતો હતો. ગઇ કાલે સાગરની દુબઇ પોલીસે ધરપકડ કરીને તેને ભારતમાં ડીપોર્ટ કર્યો હતો. વહેલી સવારે સાગરને મુંબઇ લવાતાં થાણે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. થાણે ક્રાઇમ બ્રાંચના યુનિટ ૧ના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું છે કે આજે વહેલી સવારે તેની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે તેની પૂછપરછમાં ઘણા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે ત્યારે તેની બહેન રીમા ઠાકર ક્યાં છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like