૨૬ જાન્યુ.થી ૧૩૯ પર કોલ કરીને ટ્રેન ટિકિટ કેન્સલ કરાવી શકાશે

નવી દિલ્હી: જો તમારે ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલાં જ ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવાની હોય અને અડધા પૈસા કપાઈ જવાની િચંતા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે તમારી ટિકિટ રેલવે ઈન્કવાયરી હેલ્પ લાઈન નં. ૧૩૯ પર પણ ફોન કરીને રદ કરાવી શકો છો અને પાછળથી કાઉન્ટર પર રિફંડના પૈસા મેળવી શકો છો. રેલવે ૨૬ જાન્યુઆરી ૨૦૧૬થી આ નવી સુવિધા શરૂ કરનાર છે.

અત્યાર સુધી રેલવે પ્રવાસ શરૂ થતાં પહેલાં ટિકિટ કેન્સલ કરાવવા માટે રેલવે સ્ટેશન જવું જરૂરી હતું અને જો આવું ન કરો તો ટિકિટના અડધા પૈસા કપાઈ જતા હતા, પરંતુ રેલવેએ નવા વર્ષથી ટિકિટ કેન્સેલેશન માટે હવે વધુ એક ઓપ્શન આપ્યો છે. હવે તમે ૧૩૯ પર કોલ કરીને ટિકિટ કેન્સલ કરાવી શકશો.

જ્યારે તમે ટિકિટ કેન્સલ કરાવશો ત્યારે ટિકિટ બુક કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તે તમને પૂછવામાં આવશે. ત્યાર બાદ મોબાઈલ પર વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવશે. ઓટીપી નંબર ઈન્કવાયરી અધિકારી કે કમ્પ્યુટરાઈઝ્ડ ઈન્કવાયરી પર જણાવવાનો પડશે અને ત્યાર બાદ તમારી ટિકિટ કેન્સલ થઈ જશે. પાછળથી રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જઈને ટિકિટ બતાવીને તમે રિફંડ મેળવી શકશો.

જોકે હવે પ્રવાસ શરૂ થવાના ચાર કલાક પહેલા ઓનલાઈન અથવા સ્ટેશન પર કન્ફર્મ્ડ ટિકિટ રદ કરાવવાનું મોંઘું થઈ ગયું છે. રેલવેએ તમામ વર્ગમાં કેન્સેલેશન ફી બમણી કરી દીધી છે. રિઝર્વ ટિકિટ પર લાગતા કર્લક ચાર્જ પણ વધારી દેવામાં આવ્યા છે.

નવી નિયમો અનુસાર હવે ટ્રેન ઉપડવાના ૪૮ કલાક પહેલા ટિકિટ રદ કરાવવા માટે પ્રત્યેક પેસેન્જર પાસેથી ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. ૨૪૦, સેકન્ડ એસી અને ફર્સ્ટ ક્લાસમાં રૂ. ૨૦૦, થર્ડ એસીમાં રૂ. ૧૮૦, સ્લીપરમાં રૂ. ૧૨૦ અને સેકન્ડ ક્લાસમાં રૂ. ૬૦ કાપી લેવામાં આવશે.

You might also like