ડિજિટલ ક્રાંતિમાં પણ કેલેન્ડરનો યુગ યથાવત્

સમય કોઈની રાહ જોતો નથી, એ હંમેશાં ગતિશીલ છે. એટલે જ કહેવાયું છે કે સમયની સાથે ચાલો. જે લોકો કે સમાજ સમયની સાથે ચાલતો નથી તે મુખ્ય ધારામાંથી દૂર થઈ જાય છે. સમય હંમેશાં પરિવર્તનના પ્રવાહમાં આગળ વધતો જ રહેતો હોય છે. ર૦૧૬ના વર્ષે વિદાય લીધી અને ર૦૧૭નું નવલું પ્રભાત ઉગ્યું એ સાથે જ વાર્ષિક કેલેન્ડર પણ બદલાઈ ગયું છે. નવા વર્ષના આરંભની સાથે જ લોકોને કેલેન્ડરની યાદ આવે છે. ભાગ્યે જ કોઈ એવું ઘર કે ઓફિસ હશે જ્યાં દીવાલ કે ટેબલ પર કેલેન્ડર જોવા ન મળે. સમયની સાથે કેલેન્ડરોનાં સ્વરૂપો બદલાતાં રહ્યાં છે, પરંતુ તે આઉટ ઓફ ડેટ થયાં નથી. ટૂંકમાં, ડિજિટલ યુગમાં પણ કેલેન્ડરનો યુગ આથમ્યો નથી.

દુનિયાના દરેક દેશ અને પ્રાંતમાં સામાજિક-ધાર્મિક રીતરિવાજો સાથે સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણ જેવી ખગોળીય ઘટનાને આધારે કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. ભારતમાં જે કેલેન્ડર પ્રચલિત છે તેમા ૧ર અંગ્રેજી માસ અને ૩૬પ દિવસ હોય છે, પરંતુ દુનિયામાં એવા દેશો છે કે ત્યાંના કેલેન્ડરમાં ૩૦૦ દિવસ અને ૧૮ માસનાં સમયનું આયોજન બતાવાયું હોય. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જાન્યુઆરીથી નવા વર્ષનો આરંભ થાય છે. દરેક દેશ અને પ્રાંતના અલગ અલગ રીતરિવાજો પણ હોય છે. આવા પ્રદેશોમાં ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિના આધાર પર નવા વર્ષનો આરંભ થાય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં ગુડી પડવો, પંજાબમાં બૈશાખી, જમ્મુ-કાશ્મીરમાં નવરેહ, કચ્છમાં અષાઢી બીજથી નવા વર્ષનો આરંભ ગણવામાં આવે છે અને આ પર્વો ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાનિક ભાષાનાં કેલેન્ડરોમાં આ પર્વનો ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવે છે.

સમય સાથે કેલેન્ડરોનાં સ્વરૂપો બદલાયાં
ભારતીય પરંપરામાં ભલે દિવાળીએ પંચાંગનું વિશેષ મહત્ત્વ રહ્યું હોય, પરંતુ જાન્યુઆરી માસ આવે એટલે કેલેન્ડર કે ડાયરીની શોધ ચાલુ થઈ જાય છે. કેલેન્ડર સમય સાથે પ્લાનિંગનું મહત્ત્વ સમજાવે છે. એક સમયે મોટાભાગનાં ઘરોમાં દીવાલ પર ડટ્ટા કેલેન્ડર જોવા મળતાં, જેમાંથી રોજ એક પાનું ફાડી નાખવામાં આવતું. આવાં ડટ્ટા કેલેન્ડરને બદલે હવે દીવાલ પર લગાવી શકાય તેવાં આકર્ષક કેલેન્ડર આવી ગયાં છે. અનેક કોર્પોરેટ કંપનીઓ કલરફુલ કેલેન્ડરો બહાર પાડે છે. ગ્રાહકોને આકર્ષવા આવા અનેક નુસખાઓ નાનીમોટી કંપનીઓ કરતી હોય છે, જેમાં નાના કરિયાણાવાળા પણ બાકાત નથી. એક વિખ્યાત ઉડ્ડયન કંપની તેના કેલેન્ડરને લોકપ્રિય બનાવવા ખૂબસૂરત યુવતીના પોઝ સાથેનું કેલેન્ડર દર વર્ષે તૈયાર કરતી હતી, જેની ડિમાન્ડ પણ ખૂબ રહેતી.

કેલેન્ડરોનાં સ્વરૂપોમાં સતત બદલાવ આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડેસ્ક કેલેન્ડર પણ ઓફિસોમાં લોકપ્રિય બની રહ્યાં છે. કોર્પોરેટ કંપનીઓ જ નહીં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પોતાનાં આવાં કેલેન્ડર બહાર પાડે છે, જેમાં રજાઓ અને તહેવારોની ખાસ માહિતી આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓ રજાઓનાં પ્લાનિંગ માટે આવાં કેલેન્ડરો જોવા અધીરા હોય છે. કેટલાક સંપ્રદાયોનાં પણ અલગ કેલેન્ડરો હોય છે, જેમાં જે-તે સંપ્રદાયની ધાર્મિક તિથિને વધુ મહત્ત્વ આપતી જાણકારી આપવામાં આવે છે. જેથી આવાં કેલેન્ડરો જે-તે સંપ્રદાયના અનુયાયીઓને ઉપયોગી બની શકે.

કેલેન્ડરનો ઇતિહાસ આઠ હજાર વર્ષ જૂનો
કેલેન્ડરનો ઇતિહાસ લગભગ આઠ હજાર વર્ષ જૂનો છે. સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણની ખગોળીય ઘટનાને આધારે સામાન્ય રીતે કેલેન્ડરના દિવસો નક્કી કરવામાં આવે છે. સૂર્યના આધારે જેને સોલાર સાઇકલ પણ કહેવાય છે, તે આધારે તૈયાર થતાં કેલેન્ડરમાં ૩૬પ દિવસ અને ચંદ્રના આધારે તૈયાર થતાં કેલેન્ડરમાં ૩પપ દિવસ હોય છે. દર વર્ષે દસ દિવસનો ગાળો રહે છે, જેને દર ત્રણ વર્ષે સેટ કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે આ ત્રીસ દિવસને સેટ કરવામાં આવે છે, જેને અધિક કે પરસોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. મુસ્લિમ સમાજમાં ચંદ્રના આધારે કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરમાં દર ચાર વર્ષે લીપ યર આવે છે, જેમાં ફેબ્રુઆરી માસમાં ર૯ દિવસ હોય છે. આમ, વિવિધ રીતે દિવસોનો મેળ કરવામાં આવે છે. જોકે દુનિયાના મોટાભાગના દેશોએ ગ્રેગોરિયન કેલેન્ડરનો સ્વીકાર કર્યો છે. દુનિયામાં મુખ્ય સાત જેટલાં કેલેન્ડર જોવા મળે છે જેમાં  ગ્રેગોરિયન કેલેન્ડર પ્રચલિત છે.

કેલેન્ડરના વિવિધ સાત પ્રકાર
એક સંશોધન અહેવાલ મુજબ દુનિયામાં મુખ્ય સાત પ્રકારનાં કેલેન્ડરો જોવા મળે છે, જેમાં સુમેરિયન, માયા, ગ્રીસ, ચીની, રોમન, જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરનો સમાવેશ થાય છે. દુનિયામાં વિવિધ ધર્મના આધારે પણ કેલેન્ડરો તૈયાર થાય છે. જેમાં ઈસાઈ, યહૂદી, મુસ્લિમ અને હિન્દુ કેેલેન્ડરનો સમાવેશ થાય છે. ૧પ૮રમાં કેથલિક દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત થઈ હતી. પોપ ગ્રેગોરી ૧૩માએ તેની શરૂઆત કરી હતી જે આજે દુનિયામાં સૌથી વધુ પ્રચલિત છે. ૧૭૮રમાં બ્રિટન અને અમેરિકન દેશોએ ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવવાનું શરૂ કર્યું હતું.

ભારતમાં ગ્રેગોરિયન કેલેન્ડરનું ચલણ
ભારતમાં ભારતીય રાષ્ટ્રીય પંચાંગની સાથે ૧૯પ૭માં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતુંં. સરકારના રાજપત્ર અને સરકારી એજન્સીઓએ ભારતીય પંચાંગની સાથે ગ્રેગોરિયન કેલેન્ડરનો પ્રયોગ શરૂ કર્યો હતો. ભારતમાં તિથિઓ આધારિત કેલેન્ડરની સાથે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતીય પંચાંગ મુજબ ચૈત્ર માસથી (રર માર્ચથી) કેલેન્ડર વર્ષનો આરંભ થતો હોય છે. ગ્રેગોરિયન કેલેન્ડરના દિવસોની શરૂઆત પણ રર માર્ચથી થાય છે. ભારતીય પંચાંગમાં ૧ર મહિના હોય છે, જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં પણ ૧ર મહિના હોય છે. કેટલીક બાબતોમાં બંને કેલેન્ડરોમાં સામ્યતા જોવા મળી રહી છે. ઈસ્લામિક કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોય છે, જેમાં મહોરમથી નવા વર્ષની શરૂઆત થાય છે.

આ અંગે નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈના પૂર્વ વડા અને વિખ્યાત ખગોળશાસ્ત્રી જે.જે. રાવલ કહે છે, “કેલેન્ડરનો ઇતિહાસ આઠ હજાર વર્ષ જૂનો છે. કાગળ અને પેનની શરૂઆત નહોતી થઈ ત્યારે લોકો તારીખ-સમય મુજબ યાદ રાખતા કે ભોજપત્ર કે અન્ય ધાતુ પર લખવામાં આવતું. એવું મનાય છે કે સૌથી પહેલાં આદિત્ય કેલેન્ડર આવ્યું હતું. પછીથી વિક્રમ સંવત, જુલિયન, શક સંવત અને બાદમાં ગ્રેગોરિયન કેલેન્ડર આવ્યુંં.” સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે કેલેન્ડરો તૈયાર થતાં રહે છે. ભારતમાં કેન્દ્ર સરકાર હસ્તકની કોલકાતામાં આવેલી પોઝિશનલ એસ્ટ્રોનોમી ઓથોરિટીના સહયોગથી કેલેન્ડરો તૈયાર કરવામાં આવે છે. આ સેન્ટર પરથી પ્રાદેશિક સ્તર પર કેલેન્ડર તૈયાર કરનારાઓ ડેટા લઈને આકર્ષક કેલેન્ડર અને ડાયરીઓ તૈયાર કરે છે.

કેલેન્ડર એ માત્ર સમય અને તારીખિયું જ નથી, પરંતુ એક ઇતિહાસ પણ છે. આજના ટેક્નોલોજીના યુગમાં પણ તેનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે અકબંધ જ રહેશે.

ડેસ્ક-ડટ્ટા કેલેન્ડરનો ક્રેઝ
કેલેન્ડરો અને ડાયરીઓમાં સમયની માગ મુજબ સતત પરિવર્તન કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર સાથે ભારતીય પંચાંગની તિથિઓ મિક્સ કરીને કેલેન્ડરો તૈયાર કરાય છે. ડટ્ટા અને દીવાલ કેલેન્ડર બાદ હવે ડેસ્ક કેલેન્ડરનો પણ ક્રેઝ જોવા મળે છે. આજના મોબાઈલ યુગમાં પણ ઘણાં લોકો ખિસ્સાંમાં નાની ડાયરી પણ રાખે છે. જેમાં આખા વર્ષની તિથિઓ હોય છે. ૮૦ વર્ષથી ડાયરી-કેલેન્ડરો બનાવતી રાજકોટની જાણીતી પેઢીના ભાવિકભાઈ પારેખ કહે છે, “યુવાપેઢીને આકર્ષવા એક સમયનાં પ્રખ્યાત ડટ્ટા કેલેન્ડરમાં સુધારાઓ કરીને અમે ડટ્ટા-ડેસ્ક કેલેન્ડર તૈયાર કર્યું છે. ડટ્ટામાં રોજ એક પાનંુ ફાડવામાં આવતું, પરંતુ આ કેલેન્ડરમાં પાનું ફાડવાને બદલે પાછળ વાળી દેવાય છે. જેથી કોઈ પાનામાં કંઈ લખ્યું હોય અથવા અગાઉની તારીખો જોવી હોય તો ગમે ત્યારે જોઈ શકાય. આ કેલેન્ડરની સારી ડિમાન્ડ જોવા મળે છે.”
http://sambhaavnews.com/

You might also like