કારનો કાચ તોડી ગઠિયો ૧.૭૫ લાખની મતા તફડાવી ગયો

અમદાવાદ: મેમનગર નજીક પાર્ક કરેલી કારના કાચ તોડી એક ગઠિયો રૂ. ૧.૭૫ લાખની મતા તફડાવી ફરાર થઈ જતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેક્ટર-૨૭ ખાતે અાવેલી સોમેશ્વર સોસાયટીમાં રહેતા પાર્થ મહેશકુમાર પટેલ કોઈ કામ સબબ મેમનગર અાવ્યા હતા અને પોતાની કાર સાંજના પાંચ વાગ્યાના સુમારે મેમનગર રોડ પર પાર્ક કરી હતી ત્યારે કોઈ ગઠિયાએ અા હ્યુન્ડાઈ એસેન્ટ કારના દરવાજાનો કાચ સિફતપૂર્વક તોડી કારમાંથી લિનોવો કંપનીનું લેપટોપ, ડેલ કંપનીનું લેપટોપ તેમજ રૂ. ૧.૨૫ લાખની રોકડ રકમ સહિત રૂ. ૧.૭૫ લાખની કિંમતની મતા તફડાવી અા ગઠિયો પલાયન થઈ ગયો હતો. અા અંગે ઘાટલોડિયા પોલીસે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like