મંત્રીમંડળને કાર્યદક્ષ બનાવવાની કવાયત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ખાસિયત મુજબ મંત્રીમંડળને સ્થિરતાપૂર્વક બરાબર બે વર્ષનો સમય આપ્યા બાદ ૧૯ નવા મંત્રીઓને ઉમેરી મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલમાં કેબિનેટ વિસ્તરણનો સમારોહ સમાપ્ત થયો છે. બપોરે મંત્રીમંડળની બેઠક બાદ છેક સાંજે નવા મંત્રીઓનાં ખાતાંની ફાળવણી તથા ખાતાંઓની ફેરબદલીની જાહેરાત થવાની છે, પરંતુ ગુજરાતમાં ૩ નવા મંત્રીઓ રાષ્ટ્રની સેવામાં સેવારત થવાના સમાચારે ગુજરાતીઓને વધુ આનંદ આપ્યો છે.

મંત્રીમંડળના સભ્યોની પસંદગી પર નજર કરીએ તો વડા પ્રધાનના જણાવ્યાનુસાર ‘૩E’ ની ફોર્મ્યુલા એટલે Experities, Energy અને Experiance (આવડત, ઊર્જા અને અનુભવ)ને તેમણે ધ્યાનમાં રાખ્યા છે. મંત્રીઓના બેકગ્રાઉન્ડ પર નજર કરીએ તો મોદી સરકારની બજેટ સમયે જાહેર કરાયેલી ગામ, ગરીબ અને કિસાનની પ્રાથમિકતાને બળ મળે છે.

આમ આદમીની અપેક્ષાઓ પૂરી કરવા અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં તેમની આ કવાયત મદદરૂપ બને તેવી વડા પ્રધાનની ગણતરી હોય એવું જણાય છે. તેમણે ધ્યાનમાં લીધેલા મુદ્દાઓમાં કૃષિક્ષેત્ર, આરોગ્યક્ષેત્ર અને કાયદાક્ષેત્ર પર વિશેષ મહત્ત્વ આપવાના ઈરાદાઓ છત્તાં થાય છે.

ગુજરાતમાંથી ૩, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાંથી પણ ૩-૩, પશ્ચિમ બંગાળ, આસામ અને ઉત્તરાખંડમાંથી ૧-૧, મહારાષ્ટ્રમાંથી ૨ અને રાજસ્થાનમાંથી ૪ નવા મંત્રીઓનો ઉમેરો કરાયો છે. ૬ રાજ્યકક્ષાના મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવાયાં છે, તેમાં ગુજરાતના મનસુખ વસાવા અને મોહન કુંડારિયા ઉપરાંત સાંવરલાલ જાટ, રામશંકર કઠેરિયા, નિહાલચંદ અને જી.એમ. સિદ્ધેશ્વર છે.

આમ, સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો હવે મોદી મંત્રીમંડળની કુલ સંખ્યા ૮૧ની થઈ છે, જે ૧૯૯૮ પછી ડૉ. મનમોહનસિંહની જમ્બો કેબિનેટના ૭૮ની સંખ્યા કરતાં વધારે છે. નિયમ અનુસાર વધુમાં વધુ ૮૨ સભ્યોનું મંત્રીમંડળ હોઈ શકે છે. એકમાત્ર પ્રકાશ જાવડેકરને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ દરજ્જાનું પ્રમોશન મળ્યું છે એટલે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય એ થયું છે કે નવાનવા વિચારો અને પરિણામલક્ષી કામગીરીમાં વડા પ્રધાનને સતત મદદરૂપ થઈ રહેલા મિલનસાર સ્વભાવના પીયૂષ ગોયલને કેબિનેટ દરજ્જો કેમ નહીં? અલબત્ત, રાજકીય વિશ્લેષકોનાં અનુમાન ખોટાં પડ્યાં હોય તેવા બીજા દાખલા પણ છે. ધર્મેન્દ્ર પ્રધાનને બઢતી નથી મળી તથા ૭૫ વર્ષથી વધુ વય ધરાવતાં નજમા હેપતુલ્લા અને કલરાજ મિશ્રને પડતાં નથી મુકાયાં, તે પણ આવા દાખલાઓ જ છે.

મંત્રીમંડળમાં ગુજરાતના નવા ચહેરાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવા અમરેલીના પરશોત્તમ રૂપાલા છે. રૂપાલા પોતે ખેડૂત છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પછી બીજો કોઈ નેતા જો પ્રભાવશાળી વાણીથી જનમેદનીને મંત્રમુગ્ધ કરી શકતા હોય તો તે પરશોતમ રૂપાલા છે.

રૂપાલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. જોકે હવે સરકારમાં સ્થાન મળતા સંગઠનનું તે પદ ખાલી પણ કરે. નરેન્દ્ર મોદીના નજીકના સાથી અને કાર્યદક્ષ એવા રૂપાલાને મહત્ત્વની જવાબદારી સોંપાય તેવી વકી છે. પાલિતાણાના મનસુખ માંડવિયાએ સાઇકલ પર જ પાર્લામેન્ટ જવાની એક ક્લબ બનાવી છે અને સાદગીભર્યા સાંસદોમાં આગવી પ્રતિભા ઊભી કરી છે. આ ઉપરાંત દાહોદના જશવંતસિંહ ભાભોરને આદિવાસી નેતા તરીકે સામેલ કરાયા છે.

વડા પ્રધાને જે રીતે પસંદગી કરી છે તેમાં માત્ર જ્ઞાતિ કે પ્રદેશને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળને સંતુલિત કરવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ સાથેસાથે શિક્ષણ અને વયનંી પણ ધ્યાન રખાયું છે. યુવા મહિલા અનુપ્રિયા પટેલ એ ઓબીસી નેતા સોનેવાલ પટેલની દીકરી છે. માત્ર ૩૫ વર્ષની વયની અનુપ્રિયા પટેલ ભણેલીગણેલી અને ઉત્તરપ્રદેશમાં ભાજપ સાથે સમજૂતી કરી અપના દળ વતી ચૂંટણી લડીને મિરઝાપુરથી સાંસદ બન્યાં છે. બીજા એક ઓબીસી લીડર પી.પી. ચૌધરી છે. તેઓ પણ સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડવોકેટ છે અને બંધારણના સંશોધન જેવા વિષયમાં તજજ્ઞ છે. દલિત સભ્યોમાં અર્જુનરામ મેઘવાલ છે તેઓ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે. ઉપરાંત અજય ટામટા અને કૃષ્ણરાજ પણ દલિતોમાં લોકપ્રિય અને શિક્ષણનું સારું બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ છે.

એનડીએ સરકારના સાથી પક્ષ એવા રિપબ્લિકન પાર્ટી (આઠવલે)ના રામદાસ આઠવલેનું મહારાષ્ટ્રના દલિત સમાજ પર ખાસ્સું વર્ચસ્વ છે. અન્ય નામોમાં એસ.એસ. આહલુવાલિયા શીખ સમુદાયના એવા નેતા છે, જે વડા પ્રધાનને સંસદીય બાબતોમાં ઉપયોગી થઈ શકે છે.

તેઓ અનુભવી અને પંજાબની આગામી ચૂંટણીમાં તાકાત વધારવામાં ઉપયોગી છે. એમ.જે.અકબર રાષ્ટ્રીય સ્તરે ઊંચા ગજાના પત્રકાર છે. જેમનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી બાબતોનો અનુભવ સરકાર માટે મહત્ત્વનો છે. કુલ મળીને સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ હોવાની અનુભૂતિ કરાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના કરેલા વિસ્તરણની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા એ આમઆદમીની અપેક્ષા અનુસાર છે કે નહીં તે જોવા હજુ બીજાં ત્રણ વર્ષની રાહ જોવી પડશે. નવા મંત્રીમંડળને બેસ્ટ ઓફ લક.

સુધીર એસ. રાવલ

You might also like