ગુજરાતનાં કંડલા બંદરને અપાયું નવું નામ “દીનદયાલ પોર્ટ”

ન્યૂ દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે ગુજરાતનાં કંડલા પોર્ટને એક નવું નામ આપ્યું છે. હવે કંડલા પોર્ટ દીનદયાલ બંદરગાહનાં નામથી ઓળખાશે. કચ્છનાં રણમાં સ્થિત કંડલા પોર્ટ ટ્રસ્ટ દેશનાં સૌથી મોટા 12 બંદરોમાંનું એક છે. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર કંડલા પોર્ટનું નામ બદલી દેવાયું છે.

આ સિવાય કેબિનેટે ભારત અને લિથુઆનિયાની વચ્ચે પ્રત્યર્પણ સંધિનાં હસ્તાક્ષર સાથે મ્યાનમારનાં યામેથિનમાં મહિલાઓનાં પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર પર ભારત અને મ્યાનમાર વચ્ચેની સમજૂતિને પણ મંજૂરી આપી. ગુજરાતમાં હાલનાં 40 પોર્ટમાં કંડલા એક બંદર છે, જેનું નામ હવે મોદી કેબિનેટે બદલી નાંખ્યું છે. જહાજરાની મંત્રાલયે આનાંથી સંબંધિત આદેશને પણ રજૂ કરી દીધો છે. તેમજ કંડલા પોર્ટનું નવું નામ પણ તત્કાલ લાગૂ કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયનાં આદેશ અનુસાર કેન્દ્રીય સરકારે ભારતીય પોર્ટ અધિનિયમ-1908નાં અંતર્ગત કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ સંશોધન કરી “દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ” કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે કંડલા બંદર પર જુદી-જુદી પરિયોજનાઓનો આરંભ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિચાર આપ્યો હતો કે કંડલા પોર્ટનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ કરી દેવું જોઇએ. પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી સમારોહની પૂર્ણાહુતિનાં અવસર પર જહાજરાની મંત્રાલયે કંડલા પોર્ટનાં નવા નામકરણથી સંબંધિત આદેશ રજૂ કરી દીધો છે.

You might also like