હવે આઇપીએલમાં તમાકુની બબાલઃ હાઈકોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ સ્ટાર ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું, વિદેશી ખેલાડીઓનું સ્વદેશ પાછા ફરવું અને સારી ટીમોનાં કંગાળ પ્રદર્શનથી આ વખતની આઇપીએલનો રંગ થોડો ફિક્કો પડ્યો છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ખેલાડીઓની જરસી પરથી તમાકુનો પ્રચાર રોકવા ગુજરાત લાયન્સ અને બીસીસીઆઇને નોટિસ પાઠવી છે.
જાણકારી પ્રમાણે ટીમ ઉપરાંત કોર્ટે બીસીસીઆઇ, પ્રસારણકર્તા અને સંબંધિત તમાકુ કંપની સામે પણ આ અંગે નોટિસ જારી કરી છે. આ નોટિસ કોર્ટે એક જનહિત અરજી દાખલ થયા બાદ જારી કરી છે.

આ નોટિસમાં ગુજરાત લાયન્સના ખેલાડીઓની જરસી પર ‘શુદ્ધ પ્લસ’ (પાન-મસાલાવાળી કંપની)ના પ્રચારને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ તમાકુ કંપનીએ કોઈ જ ચેતવણી વિના પોતાનો પ્રચાર કર્યો છે, જે કાયદાનું ઉલ્લંઘન છે. નોટિસમાં બીસીસીઆઇને આ તમાકુના પ્રચારને રોકવાની વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત લાયન્સની ટીમ આ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી શકી નથી અને પ્લેઓફમાં સ્થાન મેળવવામાં પણ નિષ્ફળ રહી છે.
http://sambhaavnews.com/

You might also like